
પોરબંદર, 06 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર
કલ્યાણ વિભાગ હેઠળના ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા ફૂડ સેફ્ટી
એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 ની કલમ 30(2)(એ) હેઠળ રાજ્યમાં
‘ડેરી એનાલોગ’ ઉત્પાદનો અંગે પ્રતિબંધક હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ મુજબ અસલી
પનીર, ક્રીમ, બટર તથા અન્ય
ડેરી ઉત્પાદનો જેવા દેખાતા અથવા ગ્રાહકોને અસલી ડેરી ઉત્પાદન હોવાનો ભ્રમ પેદા
કરતા બિન-પ્રમાણભૂત ડેરી એનાલોગ ઉત્પાદનોના ઉત્પાદન, પ્રક્રિયા, પેકિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ, વેચાણ તેમજ ખાદ્ય સેવા સંસ્થાઓમાં
ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ સંદર્ભે પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ સંબંધિત વેપારીઓ, ડેરી સંચાલકો, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, મીઠાઈ ઉત્પાદકો, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ફાસ્ટફૂડ સેન્ટરો, ક્લાઉડ કિચન તેમજ અન્ય તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકોને સરકારના હુકમનું
તાત્કાલિક અને ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. સરકારી હુકમ મુજબ દૂધ,
દૂધની ચરબી અથવા દૂધના ઘન પદાર્થોના સ્થાને
સંપૂર્ણ અથવા આંશિક રીતે વનસ્પતિ ચરબી, વનસ્પતિ તેલ
અથવા અન્ય બિન-ડેરી ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતા તથા અસલી ડેરી ઉત્પાદનો
હોવાનો ભ્રમ પેદા કરે તેવા ઉત્પાદનો પ્રતિબંધના દાયરામાં આવે છે. આવા ઉત્પાદનોના
લેબલ, પેકિંગ, રજૂઆત, જાહેરાત અથવા વેચાણની પદ્ધતિ દ્વારા
ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે તે પણ પ્રતિબંધિત છે.
તમામ ખાદ્ય વ્યવસાય
સંચાલકોએ પ્રતિબંધિત ડેરી એનાલોગ ઉત્પાદનોનું વેચાણ તાત્કાલિક બંધ કરવું તેમજ
ખરીદી, ઉત્પાદન અને વિતરણ સંબંધિત સંપૂર્ણ
નોંધો જાળવવી અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ તથા સંબંધિત નિયમોનું સંપૂર્ણ
પાલન કરવું રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, મીઠાઈની દુકાનો, ફાસ્ટફૂડ સેન્ટરો, ક્લાઉડ કિચન તથા અન્ય ખાદ્ય સેવા સંસ્થાઓએ
માત્ર પ્રમાણભૂત અને અસલી ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાનો રહેશે અને ગ્રાહકોને
કોઈપણ રીતે ગેરમાર્ગે દોરવામાં ન આવે તેની ખાસ કાળજી રાખવાની રહેશે.
પોરબંદર
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ડેરી એનાલોગ ઉત્પાદનો અંગે વિશેષ ચકાસણી
અને અમલીકરણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચકાસણી દરમિયાન કોઈ વેપારી અથવા ખાદ્ય
વ્યવસાય સંચાલક પ્રતિબંધિત ઉત્પાદનોનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ અથવા ઉપયોગ કરતો જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ
સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 તથા અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક
કાર્યવાહી કરવામાં આવશે. સરકારી હુકમનો ભંગ કરનાર ખાદ્ય વ્યવસાય સંચાલકો સામે
કાયદાની કલમ 50, 51, 52, 55 અને 59 સહિતની લાગુ જોગવાઈઓ હેઠળ
દંડાત્મક તથા કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખા
દ્વારા તમામ વેપારીઓ, ખાદ્ય વ્યવસાય સંચાલકો તથા નાગરિકોને
જાહેર આરોગ્યના હિતમાં સરકારના પ્રતિબંધક હુકમનું સંપૂર્ણ પાલન કરવા તેમજ માત્ર
પ્રમાણભૂત અને અસલી ડેરી ઉત્પાદનોનો જ ઉપયોગ અને વેચાણ કરવા અપીલ કરવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya