
જામનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ન્યૂ સાધના કોલોની એસોસિએશન દ્વારા વોર્ડ નં.16માં આવેલા 18 મીટરના મુખ્ય માર્ગ પર થયેલા ગેરકાયદે દબાણો અને અનધિકૃત બાંધકામો દૂર કરવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશનના પ્રમુખ નવીન મણીલાલ નંદાના હસ્તાક્ષરથી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે ત્રણ વર્ષ અગાઉ જર્જરિત હાલતમાં હોવાથી કોલોનીનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને હાલ સરકારની રીડેવલપમેન્ટ યોજના હેઠળ નવી કોલોનીનું બાંધકામ ચાલી રહ્યું છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ રણજીત સાગર રોડ પર આવેલા કોલોનીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જલારામ મંદિર, શાક માર્કેટ અને આંગણવાડી આવેલી છે. ઉપરાંત આસપાસની અંદાજે 15થી 20 સોસાયટીઓના તેમજ આશરે 10 હજાર જેટલા રહેવાસીઓ માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે.
એસોસિએશનનો આક્ષેપ છે કે મુખ્ય માર્ગ પર ગેરકાયદે દબાણો અને અનધિકૃત મકાનો ઊભા કરી દેવાતા વાહનવ્યવહાર અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનરને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કે જવાબ મળ્યો નથી.
આથી એસોસિએશને જિલ્લા કલેક્ટરને મુખ્ય માર્ગ પરથી તમામ દબાણો અને અનધિકૃત બાંધકામો તાત્કાલિક દૂર કરાવી માર્ગ જાહેર ઉપયોગ માટે ખુલ્લો કરવાની માંગ કરી છે. સાથે જ આ અંગે ત્વરિત કાર્યવાહી કરી યોગ્ય જવાબ આપવા પણ રજૂઆતમાં વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt