
સુરત, 06 ઓગસ્ટ (હિ.સ.): સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં મસાજ પાર્લરની આડમાં કથિત સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે લસકાણા પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. રેડ દરમિયાન ફ્લેટમાંથી ભાઈ-બહેન સહિત ત્રણ સંચાલકોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, સ્થળ પરથી બે મહિલાઓ અને બે યુવાન ગ્રાહકો પણ મળી આવ્યા હતા.
પોલીસની તપાસ દરમિયાન એક રૂમમાંથી 18 વર્ષીય વિદ્યાર્થી અને એક મહિલા આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા, જ્યારે અન્ય એક 19 વર્ષીય વિદ્યાર્થી રાહ જોતો હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછમાં ખુલાસો થયો કે, ગ્રાહક પાસેથી પ્રતિ વ્યક્તિ રૂ. 1,000 લેવામાં આવતા હતા. ફ્લેટની માલિકી મહિલાના નામે હોવાનું અને તેનો ભાઈ ગ્રાહકો લાવવા તેમજ બહાર નજર રાખવાનું કામ કરતો હોવાનું પોલીસનું કહેવું છે. સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ કેસમાં જાગૃતિ ઉર્ફે કૃષ્ણા રાજપરા, તેનો ભાઈ કાળુ ચાવડા અને પૂજા ઉર્ફે પૂનમ હિરાણીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ભાઈ-બહેનનો અન્ય એક ભાઈ આમ આદમી પાર્ટી સાથે કાર્યકર તરીકે જોડાયેલો છે. હાલ પોલીસે, સમગ્ર નેટવર્ક, સંડોવાયેલા અન્ય લોકો અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે