
બોટાદ, 06 ઓગસ્ટ (હિ.સ.) ગઢડા ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સમિતિ પાસે વ્હીલચેર, પાણીનું ગાદલું સહિત અનેક આરોગ્યલક્ષી સાધનો ઉપલબ્ધ છે, જે જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સેવાઓ માટે સમિતિ દ્વારા કોઈપણ પ્રકારનો ઉપયોગ ચાર્જ લેવામાં આવતો નથી.
આ સેવાકીય કાર્યને વધુ મજબૂત બનાવવા માટે ગઢડાના મુસ્લિમ સમાજના અગ્રણી તથા બિલ્ડર ઈરફાન ખીમાણીએ આજે ગઢડા ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિને બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લોકસેવાના હેતુથી ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા.
સમિતિના હોદ્દેદારો દ્વારા ઈરફાન ખીમાણીના આ સેવાભાવી યોગદાનને હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને નગરજનોએ પણ સમાજહિતમાં કરવામાં આવેલા આ કાર્યની પ્રશંસા કરી હતી. સમિતિએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા સાધનો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવશે, જેથી માનવસેવાનું કાર્ય વધુ અસરકારક રીતે આગળ વધી શકે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA