
દ્વારકા/અમદાવાદ,06 ઓગસ્ટ (હિ.સ.) સમગ્ર રાજ્યમાં વિવિધ આયોજનો દ્વારા “નારી વંદન ઉત્સવ” અને “વિશ્વ સ્તનપાન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનાં પ્રમુખ ગૌરી હાથીયાના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ ગૌરી હાથિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. મહિલાઓ આજે બાળકોના શિક્ષણ ઘડતરથી લઇને રાષ્ટ્રની સુરક્ષા અને બંધારણીયના સર્વોચ્ચ પદ સુધીની જવાબદારીઓ નિભાવી રહી છે. દિકરીઓ અને મહિલાઓ આત્મનિર્ભર બને અને આગળ આવી અને પોતાના ઘર અને દેશનાં વિકાસમાં નેતૃત્વ કરી શકે તેવા હેતુથી મહિલાઓને નોકરીમાં ૩૩% અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પંચાયત અને નગર પાલિકાઓમાં ૫૦% અનામત આપવામાં આવ્યું છે.
ઉપરાંત, દીકરીઓએ ખૂબ શિક્ષણ મેળવી આગળ વધી પોતાના પરીવાર અને ગામનું નામ રોશન થાય એવા પ્રયાસો કરવા જોઈએ અને અન્યને પ્રેરણા અને સહકાર આપવો જોઈએ.
ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.જોશીએ દિકરીઓને પોતાની ક્ષમતાઓને ઓળખી આર્થિક રીતે સ્વતંત્ર અને સ્વાવલંબી બનવા પ્રેરણા આપી હતી. શિક્ષણની સાથે સોફ્ટ સ્કીલ ડેવલોપમેન્ટ ઉપર તેમણે ભાર મુક્યો હતો. દિકરીઓને સ્વ-રક્ષણની તાલીમ આપવા સૂચન કર્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને ઇ.ચા. પ્રોગ્રામ ઓફીસર ડૉ.ચંદ્રેશકુમાર.ડી.ભાંભીએ જણાવ્યું હતું કે, કિશોરીઓમાં અને મહિલાઓમાં નેતૃત્વ ક્ષમતાઓ વિકસે અને તેઓ આગળ આવી બીજાને પણ આગળ લાવવા પ્રયાસો કરે તેવા હેતુથી નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સાથે સાથે સરકાર દ્વારા ‘બેટી બચાઓ બેટી પઢાઓ યોજના’ અંતર્ગત રાજ્યમાં અમલી બાલિકા પંચાયતની રચના શા માટે કરવામાં આવેલી છે અને ગ્રામ વિકાસમાં અને મહિલાઓનાં સશક્તિકરણમાં તેમની ભૂમિકાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત “વિશ્વ સ્તનપાન સપ્તાહ” ઉજવણી અંતર્ગત બાળકો માટે સ્તનપાનનું મહત્વ, કિશોરીઓ માટે પોષણક્ષમ આહારની જરૂરિયાત વિશે વાત કરી હતી. અભ્યાસ કરતી દિકરીઓએ વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય તેવી દિકરીઓને સમજાવટ દ્વારા પુનઃ અભ્યાસમાં જોડવા જણાવ્યું હતું. મહિલાઓ અને દિકરીઓને સ્પર્શતા મુદ્દાઓ માટે લગત ગ્રામ પંચાયતની મુલાકાત લઈ સંવાદ કરવા જણાવ્યું હતું.વિવિધ બાલિકા પંચાયતની સભ્ય દિકરીઓને મહાનુભાવોના હસ્તે સ્ટીલની બોટલ એનાયત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ