
ભાવનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત શિશુવિહાર સંસ્થાના બુદ્ધ સભા હોલ ખાતે ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરી મહિલા સશક્તિકરણ અને નેતૃત્વના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂએ જણાવ્યું હતું કે મહિલાઓ આજે પરિવાર, ખેતી, પશુપાલન, સ્વરોજગાર અને સામાજિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમણે પશુપાલનને મહિલાઓ માટે આવકનું અસરકારક સાધન ગણાવી આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ સખી મંડળો, સ્વરોજગાર અને વિવિધ સરકારી ધિરાણ સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી રમેશભાઈ જાખણીયાએ નારી વંદન ઉત્સવના હેતુ અને મહિલા વિકાસ માટે સરકારના પ્રયાસોની માહિતી આપી હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન એ. ડામોરે મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ, ‘લખપતિ દીદી’ યોજના તેમજ બાલિકા પંચાયતની રચના અને તેની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ‘વ્હાલી દીકરી’ યોજનાના પાંચ લાભાર્થીઓને મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ દિકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલા સરપંચો, પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને પશુપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાલિકા પંચાયતની સભ્યોને મેનસ્ટ્રુઅલ હાઇજીન કિટ પણ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, મહિલા સરપંચો, મહિલા ખેડૂતો, પશુપાલકો, બાલિકા પંચાયતની સભ્યો તથા ‘વ્હાલી દીકરી’ યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA