સિવિલ હોસ્પિટલ બ્રિજ પર જીવલેણ અકસ્માત, 22 વર્ષની વિદ્યાર્થિનીએ ગુમાવ્યો જીવ
સુરત, 06 ઓગસ્ટ (હિ.સ.): સુરતના સિવિલ હોસ્પિટલ નજીક આવેલા બ્રિજ પર થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં 22 વર્ષીય સ્નેહા ઘોરીનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. સ્નેહા ઇલેક્ટ્રિક મોપેડ પર કોલેજ જતી હતી ત્યારે એક ઝડપી કારે, તેને ટક્કર મારી હતી. અકસ્માત
Surat


સુરત, 06 ઓગસ્ટ (હિ.સ.): સુરતના સિવિલ હોસ્પિટલ નજીક આવેલા બ્રિજ પર થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં 22 વર્ષીય સ્નેહા ઘોરીનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. સ્નેહા ઇલેક્ટ્રિક મોપેડ પર કોલેજ જતી હતી ત્યારે એક ઝડપી કારે, તેને ટક્કર મારી હતી.

અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્નેહા સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતી હતી અને ભવિષ્યમાં સાઇકિયાટ્રિસ્ટ બની સમાજસેવા કરવાની ઇચ્છા ધરાવતી હતી.

પોસ્ટમોર્ટમ અને તબીબી તપાસમાં જાણવા મળ્યું કે, ટક્કર બાદ કારનું ટાયર સ્નેહાની પીઠ પરથી પસાર થયું હોવાનું અનુમાન છે, જેના કારણે શરીરના આંતરિક અંગોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ભારે ઇન્ટરનલ બ્લીડિંગ અને ઓર્ગન ડેમેજને કારણે તેની સ્થિતિ સતત ગંભીર બનતી ગઈ અને સારવાર દરમિયાન તેનું મોત થયું.

નોંધનીય છે કે, સ્નેહાએ બે મહિના પહેલાં જ આંખોના નંબર દૂર કરવા સર્જરી કરાવી હતી. પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં પણ તેના નેત્રદાનનો નિર્ણય લઈને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

સ્નેહા સુરતના બોમ્બે માર્કેટ વિસ્તારની નવજીવન સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી. તેના પિતા પ્રકાશભાઈ ઘોરી એમ્બ્રોઈડરીનો વ્યવસાય કરે છે. ઘટનાની ફરિયાદના આધારે, ખટોદરા પોલીસે અજાણ્યા કારચાલક સામે હિટ એન્ડ રન અને બેદરકારીનો ગુનો નોંધ્યો છે.

પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી ફરાર આરોપીની ઓળખ કરી તેની ધરપકડ માટે તપાસ આગળ ધપાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande