જામનગર નજીક મોટી ખાવડી પાસે આવેલ ફરસાણની દુકાનમાં વિકરાળ આગ ભભૂકી : કોઈ જાનહાની નહીં
જામનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક આવેલી રાજસ્થાની ફરસાણ નામની દુકાનમાં બુધવારે સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દુકાનમાં રહેલ
આગની ઘટના


જામનગર, 06 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક આવેલી રાજસ્થાની ફરસાણ નામની દુકાનમાં બુધવારે સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દુકાનમાં રહેલું ફરસાણ, ખાદ્ય તેલ તેમજ અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

આગના લબકારા અને ધુમાડા દૂર સુધી દેખાતા હોવાથી માર્ગ પરથી પસાર થતા અનેક વાહનચાલકો અને રાહદારીઓએ પોતાના મોબાઇલ ફોનમાં ઘટનાના વીડિયો ઉતાર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા.

આ અંગે એક જાગૃત નાગરિકે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ પાણીના એક ટેન્કર વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જોકે, ત્યાં સુધીમાં આગ સમગ્ર દુકાનમાં પ્રસરી જતાં દુકાનનું ફર્નિચર, ફરસાણ, ખાદ્ય તેલ સહિતનો મોટાભાગનો સામાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આગથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande