
બોટાદ/અમદાવાદ,06 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત શિશુને કચરાના ઢગલામાં ફેંકી તેને સળગાવી દેવાનો નિર્દયી પ્રયાસ કરવામાં આવ્યો હતો. સળગતા કચરાના ઢગલામાંથી નવજાત શિશુ મળી આવતાં જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સસરાટ વ્યાપી ગયો હતો.
ઘટના આજ રોજ બોટાદ માં બની હતી. સવારે 8 વાગ્યાની આસપાસ કાદર શેઠની વાડી વિસ્તારમાંથી પસાર થતાં આસપાસના રહીશોને કચરાના ઢગલામાંથી અચાનક ધુમાડો અને કંઈક સળગવાની તીવ્ર ગંધ આવી હતી. જેથી સ્થાનિકોએ શંકા જતાં નજીક જઈને તપાસ કરી હતી, જ્યાં સળગતા કચરા વચ્ચે નવજાત શિશુ હોવાનું નજરે પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને જોતજોતામાં સ્થાનિકોના ટોળે-ટોળાં એકઠા થઈ ગયા હતા.
ઘટના અંગે તાત્કાલિક બોટાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાળકની માતા કે વાલી કોણ છે તે દિશામાં પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા અને સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ