
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવામાં વધુ એક સફળતા મળી છે. એલસીબીની ટીમે ચોરી થયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી પાડી ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે.
એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓના શકમંદોની તપાસમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રસાલા કેમ્પ ખાતે ગુરુદ્વારા સામે આવેલા મેદાનમાં ગુલાબી રંગનો શર્ટ પહેરેલો એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે ઉભો છે અને તેની પાસેની બાઈક ચોરીની હોવાની શક્યતા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ વ્યક્તિને મોટરસાયકલના માલિકી હક્ક સંબંધિત દસ્તાવેજો અથવા ખરીદીનું બિલ રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે તે કોઈપણ પ્રકારના આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો તેમજ સંતોષકારક જવાબ પણ આપી શક્યો નહોતો. જેથી પોલીસે મોટરસાયકલને શંકાસ્પદ મિલકત તરીકે કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે તા. 30 જુલાઈ, 2026ના રોજ ભાવનગરના વધાવાડી રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સ પાસેથી આ મોટરસાયકલની ચોરી કરી હતી. આરોપીની ઓળખ વિજયભાઈ ભગવાનભાઈ ઢાપા (ઉંમર 30), રહે. નિષ્કલંક મહાદેવ રોડ, પ્લાન્ટેશન, કોળીયાક ગામ, તા. જી. ભાવનગર તરીકે થઈ છે.
પોલીસે અંદાજે રૂ. 40 હજારની કિંમતની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ-04-DG-1202) કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ માટે આરોપીને નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA