
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર ખાતે એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) દ્વારા નાણાકીય સાક્ષરતા સલાહકાર સંસાધન વ્યક્તિઓ (FLCRPs) માટે આયોજિત તાલીમ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો. આ તાલીમમાં બોટાદ જિલ્લાના ૩૧ જેટલા બીપીએલ ધારક મહિલા તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નાણાકીય જાગૃતિ, બેંકિંગ વ્યવહાર, બચત, સ્વરોજગાર અને સરકારી યોજનાઓ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.
સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડી.આર.ડી.એ. બોટાદના ડાયરેક્ટર બી. એ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ તાલીમાર્થી બહેનોને તાલીમ પૂર્ણ કર્યાના પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે મહિલાઓને સ્વરોજગારના વિવિધ અવસરો, વ્યવસાય શરૂ કરવા માટે ઉપલબ્ધ બેંક લોન તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
બી. એ. પટેલે જણાવ્યું હતું કે નાણાકીય સાક્ષરતા મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે અત્યંત જરૂરી છે. તાલીમ દ્વારા બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી આત્મવિશ્વાસ, હિંમત અને સ્વાવલંબનની ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવાઈ છે. તેમણે તાલીમાર્થીઓને શીખેલી બાબતોનો ઉપયોગ પોતાના જીવનમાં તેમજ સમાજમાં અન્ય મહિલાઓને માર્ગદર્શન આપવા માટે પણ પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે તાલીમાર્થી બહેનોએ તાલીમથી મળેલા જ્ઞાન અને માર્ગદર્શન બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજકોએ ઉપસ્થિત મહેમાનોનો આભાર માની કાર્યક્રમની સફળ પૂર્ણાહૂતિ જાહેર કરી હતી. આ તાલીમ ભવિષ્યમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA