દસાડાના ભાઈ-બહેનની શૂટિંગમાં સિદ્ધિ,વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું
- ભોપાલ ખાતે યોજાયેલી 13મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઝીશાનખાન ખોખરે ગોલ્ડ મેડલ અને ઝુવેરિયાબાનુ ખોખરે બ્રોન્ઝ મેડલ જીત્યો - નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થતાં રાજ્યના રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ સુરેન્દ્રનગર, 07 ઓગસ્ટ
Dasadas siblings shooting achievements, bringing pride to Gujarat with gold and bronze


Dasadas siblings shooting achievements, bringing pride to Gujarat with gold and bronze


- ભોપાલ ખાતે યોજાયેલી 13મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઝીશાનખાન ખોખરે ગોલ્ડ મેડલ અને ઝુવેરિયાબાનુ ખોખરે બ્રોન્ઝ મેડલ જીત્યો

- નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થતાં રાજ્યના રમતગમત ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ

સુરેન્દ્રનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : સપનાઓ મોટા હોય તો ગામ નાનું હોવું ક્યારેય આડે આવતું નથી. આ વાતને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામના ભાઈ-બહેન ઝીશાનખાન ખોખર અને ઝુવેરિયાબાનુ ખોખરે સાચા અર્થમાં સાબિત કરી બતાવી છે.

મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી 13મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં બંને ભાઈ-બહેને પોતાના શાનદાર પ્રદર્શનથી માત્ર દસાડા ગામ કે સુરેન્દ્રનગર જિલ્લાનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

ભારતના વિવિધ રાજ્યોના પ્રતિભાશાળી શૂટરો વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દસાડાના યુવા શૂટર ઝીશાનખાન ખોખરે અદ્ભુત નિશાનબાજીનું પ્રદર્શન કરીને 50 માંથી 41 પોઈન્ટ મેળવ્યા અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તેમની આ સિદ્ધિ વર્ષોની મહેનત, શિસ્તબદ્ધ તાલીમ, અડગ આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે.

વેસ્ટ ઝોન જેવી ઉચ્ચ કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવું એ કોઈ પણ ખેલાડી માટે ગૌરવની વાત ગણાય છે.

આ સફળતાની ખુશીમાં વધુ એક ગૌરવનો ઉમેરો ત્યારે થયો જ્યારે ઝીશાનખાનની બહેન ઝુવેરિયાબાનુ ખોખરે પણ આ જ સ્પર્ધામાં 50 માંથી 30 પોઈન્ટ મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો. એક જ પરિવારના ભાઈ અને બહેને એકસાથે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ જીતીને રમતગમત ક્ષેત્રે પ્રેરણાદાયી ઇતિહાસ સર્જ્યો છે.

બંને ભાઈ-બહેનની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે પ્રતિભાને યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને પરિવારનો સહકાર મળે તો ગામડાંમાંથી પણ રાષ્ટ્રીય સ્તરના ચેમ્પિયન તૈયાર થઈ શકે છે. ઝીશાનખાનની આ સિદ્ધિના આધારે તેઓ હવે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયા છે. તેમની આગામી સફર સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની રહેશે.

ગુજરાત સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. આધુનિક રમતગમત સંકુલો, વિશ્વસ્તરીય તાલીમની સુવિધાઓ, પ્રતિભાશાળી ખેલાડીઓ માટે પ્રોત્સાહક યોજનાઓ, કોચિંગ, રમત વિજ્ઞાન અને ખેલાડીઓ માટે અનુકૂળ માળખાકીય સુવિધાઓ ઊભી કરીને રાજ્યમાં રમતગમતનું સશક્ત ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી રહ્યું છે. જેના પરિણામે આજે ગુજરાતના ખેલાડીઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે.

ગુજરાત માટે ગૌરવની વાત એ પણ છે કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ અમદાવાદને મળ્યું છે. આ ઐતિહાસિક અવસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર વિશ્વસ્તરીય રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક સ્ટેડિયમો, તાલીમ કેન્દ્રો, રમતવિજ્ઞાન કેન્દ્રો તથા આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ વિવિધ સુવિધાઓના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માત્ર વૈશ્વિક રમતોત્સવ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ગુજરાતને વિશ્વના અગ્રણી સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

ઝીશાનખાન અને ઝુવેરિયાબાનુ જેવા યુવા ખેલાડીઓની સફળતા એ રાજ્યમાં ઉભી થઈ રહેલી રમતગમત સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ છે. આજે ગુજરાતના ગામડાંમાંથી ઊભરી રહેલી પ્રતિભાઓ રાષ્ટ્રીય મંચ પર પોતાની આગવી ઓળખ બનાવી રહી છે.

દસાડાના આ ભાઈ-બહેનની સિદ્ધિ રાજ્યના લાખો યુવાનો માટે સંદેશ છે કે નિષ્ઠા, સતત મહેનત અને મક્કમ સંકલ્પ સાથે કોઈપણ સપનું સાકાર થઈ શકે છે.

ગુજરાત સરકાર રમતગમતને જનઆંદોલન બનાવવાના સંકલ્પ સાથે રાજ્યના દરેક ખૂણે રહેલી પ્રતિભાને યોગ્ય તક અને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે. આવા યુવા ખેલાડીઓની સફળતાઓ રમતગમતમાં અગ્રેસર ગુજરાતના વિઝનને વધુ મજબૂત બનાવે છે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઊર્જા અને નવી દિશા આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande