પૂર્વમંજુરી મેળવનાર ખેડૂતોને સમયમર્યાદામાં દસ્તાવેજો રજૂ કરવા જિલ્લા ખેતીવાડી વિભાગની અપીલ
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.)વર્ષ 2026-27 દરમિયાન એ.જી.આર.-50 (ટ્રેક્ટર), ખેતીના અન્ય ઓજારો અને ભારે સાધનો સહાય યોજના હેઠળ પૂર્વમંજુરી મેળવનાર ભાવનગર જિલ્લાના ખેડૂતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી દસ્તાવેજો સમયમર્યાદામાં રજૂ કરવા અપીલ કરવામાં આવી
AI ફોટો


ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.)વર્ષ 2026-27 દરમિયાન એ.જી.આર.-50 (ટ્રેક્ટર), ખેતીના અન્ય ઓજારો અને ભારે સાધનો સહાય યોજના હેઠળ પૂર્વમંજુરી મેળવનાર ભાવનગર જિલ્લાના ખેડૂતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી દસ્તાવેજો સમયમર્યાદામાં રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જણાવાયું છે કે સરકારના નિયમો મુજબ પૂર્વમંજુરી પ્રાપ્ત કરનાર ખેડૂતોને એમ્પેનલ થયેલા મોડલ મુજબ ટ્રેક્ટર તેમજ રોટાવેટર, પ્લાઉ, કલ્ટીવેટર, પાવર થ્રેશર, વાવણિયા, ઓટોમેટિક સીડ ડ્રિલ, કમ્બાઇન હાર્વેસ્ટર સહિતના સાધનોની ખરીદી કર્યા બાદ તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવી જરૂરી છે. જ્યાં આર.ટી.ઓ. પાસિંગ લાગુ પડતું હોય ત્યાં તેની પ્રક્રિયા પૂર્ણ કરી ખરીદીનું અસલ બિલ, નાણાં ભર્યાની પહોંચ, આર.સી. બુક, વીમા પોલિસી, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, પૂર્વમંજુરીની નકલ, 8-અ ઉતારો, સાધન સાથેનો ફોટો સહિતના જરૂરી દસ્તાવેજો તાલુકા કક્ષાએ ગ્રામ સેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી)ને નિયત સમયમર્યાદામાં રજૂ કરવા જણાવાયું છે.

સાથે જ તમામ દસ્તાવેજો આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર પણ અપલોડ કરવા ફરજિયાત છે. ખેડૂતો દ્વારા પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કરવામાં આવશે ત્યારે જ અરજી માન્ય ગણાશે, અન્યથા દરખાસ્ત દફતરે કરવામાં આવશે.

વિભાગે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે પૂર્વમંજુરી મળ્યાની તારીખથી લાગુ પડતી 30 અથવા 90 દિવસની સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો રજૂ નહીં કરવામાં આવે તો અરજદારને યોજનાનો લાભ મેળવવામાં રસ નથી તેમ માની પૂર્વમંજુરી રદ કરવામાં આવશે. ત્યારબાદ કોઈપણ પ્રકારનો હક્ક અથવા દાવો માન્ય રાખવામાં આવશે નહીં. તેથી તમામ લાભાર્થી ખેડૂતોને સમયસર કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande