

વડોદરા , 07 ઓગસ્ટ (હિ.સ.)
વડોદરા શહેરના જવાહરનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. કરોળિયા રમેશનગર વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડામાં અંદાજે ₹4.30 લાખનો વિદેશી દારૂ (35થી 40 પેટી) જપ્ત કરવામાં આવ્યો છે.
SMCની ટીમે દરોડા દરમિયાન અલ્પેશ મેહુલિયા અને ખાલિદ કાશમ શેખની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે આ જ સ્થળે અગાઉ જવાહરનગર પોલીસે બે વખત દરોડા પાડ્યા હતા, પરંતુ કોઈ ખાસ સફળતા મળી નહોતી. હવે SMCની કાર્યવાહી સફળ રહેતા સ્થાનિકોમાં પણ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
પોલીસે જપ્ત કરાયેલા દારૂનો જથ્થો કબજે કરી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. હાલ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળનું સમગ્ર નેટવર્ક કોણ સંચાલિત કરે છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સફળ રેડ બાદ શહેરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે SMCની કામગીરી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ