
સોમનાથ,07 ઓગસ્ટ (હિ.સ.) 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત 'મહિલા સ્વાવલંબન દિવસ' નિમિત્તે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને રોજગાર વિનિમય કચેરી,સોમનાથના સંયુક્ત ઉપક્રમે વેરાવળના ડાભોર કૉમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબાંભણિયાની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાનો મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો.
જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદા બાંભણિયાએ પ્રેરણાત્મક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે, સરકારે શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય સહિત મહિલાના સામાજિક અને સર્વાંગી વિકાસને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે. આધુનિક સમય સાથે કદમ મિલાવતા મહિલાઓએ આત્મનિર્ભર બનવું જ જોઈએ. મહિલાઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બની અને “આ જ સમય છે, સાચો સમય છે”ના સૂત્રને લક્ષ્યમાં રાખી અને મહેનત થકી સફળતા મેળવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલ રાઠોડે જણાવ્યું હતું કે, ઘરકામની સાથે આર્થિક ઉપાર્જન પણ જરૂરી છે. મહિલાઓનું દેશની જી.ડી.પી.માં યોગદાન જરૂરી છે. મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને એ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે.
તેમણે રાજસ્થાનના ડૉ.ઉમાદેવી, કચ્છના પાબીબહેન રબારી, ડૉ.ડોલી જૈન સહિત મહિલા ઉદ્યોગ સાહસિકોના પ્રેરણાદાયી ઉદાહરણ થકી આર્થિક ઉપાર્જન સાથે મહિલાઓ સફળતાની કેડી કંડારે એવી શુભકામના પાઠવી હતી.
જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમારે જણાવ્યું હતું કે, સમાજમાં સ્ત્રીઓનું યોગદાન ખૂબ જ છે. સ્ત્રીઓ મહેનત સાથે સફળતા મેળવી અને સામાજીક અને આર્થિક ક્ષેત્રે ઝડપભેર આગળ વધી રહી છે. અભ્યાસ સાથે અનુભવની મહત્તા સમજાવી તેમણે 'કોઈ કામ નાનું નથી' ભાવના મનમાં રાખી સીવણકામ, ટિફિન બિઝનેસ, રસોઈકામ સહિતના કામો થકી સ્વરોજગાર થકી અનુભવ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આસિસ્ટન્ટ મેનેજર હાર્દિક વાઘેલાએ જણાવ્યું હતું કે, લોકોને પડતી મુશ્કેલી એ જ વ્યાપાર માટેની તક છે. આસપાસમાં પડતી અગવડતાને ઓળખી અને તેમના ઉકેલ માટે પ્રયત્ન કરવાથી પણ આર્થિક ઉપાર્જન થઈ શકે છે. તેમણે અભ્યાસ કરી અને તકોને ઓળખી ન માત્ર નોકરી પરંતુ વ્યાપાર ક્ષેત્રે સ્વરોજગારીની તકોનું સર્જન થાય એ દિશામાં કામગીરી કરવા માટે જણાવ્યું હતું.
વધુમાં તેમણે 'માનવ કલ્યાણ યોજના' સહિતની વિવિધ ઉદ્યોગવિભાગની યોજનાઓ અને ઉપયોગી વેબસાઈટ વિશે માહિતગાર કર્યા હતાં.
બાળસંરક્ષણ આયોગના સભ્ય અમૃતા અખિયાએ જણાવ્યું હતું કે, આજના યુગમાં નારી સ્વાવલંબન ખૂબ જ જરૂરી છે. જો આત્મનિર્ભર બની અને કમાણી કરતા હોઈશું તો પરિવાર પરનું આર્થિક ભારણ પણ ઓછું કરી શકશું. ઘરકામ સાથે ઓનલાઈન વિશ્વમાં રહેલી તકોને ઓળખી કઈ રીતે આગળ વધી શકાય એ દિશામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે, લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના, સબસીડી ચૂકવણી, દીકરી વધામણા કીટ અને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમના અંતે ફિલ્ડ ઓફિસર એસ.એમ.ગજેરાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.ઉલ્લેખનીય છે કે, જિલ્લાકક્ષાના મહિલા સ્વરોજગાર મેળામાં વિવિધ 24 કંપનીઓના માધ્યમથી મહિલાઓ માટે સ્વરોજગારીની તકોનું સર્જન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ