ભચાઉમાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો: તીનપત્તીની હારજીતની બાજી રમતા 6 શખ્સ ઝડપાયા, રોકડ સહિત મુદ્દામાલ કબજે
કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ શહેરમાં જાહેર સ્થળે ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિ સામે ભચાઉ પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના અભિયાન હેઠળ કરવામાં આવે
ભચાઉમાં જુગાર કેસમાં પકડાયેલ આરોપી


કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ શહેરમાં જાહેર સ્થળે ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિ સામે ભચાઉ પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના અભિયાન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂ. 27,190નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.

તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ભચાઉના કોલીયાસરી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા તમામ લોકોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતો સામાન સહિત કુલ રૂ. 27,190નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાં રાજેશભાઈ ડાયાભાઈ રાજપુત, હાજીભાઈ મુસાભાઈ ઘાંચી, સબીર અલીમામદ લંઘા, ધીરજભાઈ ધનાભાઈ કોલી, પંકજભાઈ સુરતરામ રાજપુત અને નરોતમ ગજરાજ માવરનો સમાવેશ થાય છે. આરોપીઓમાંથી કેટલાક ભચાઉના રહેવાસી છે જ્યારે બે આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને હાલમાં ભચાઉ વિસ્તારમાં રહેતા હતા.

આ સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવો સંદેશ આ ઓપરેશન દ્વારા આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande