



કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે હાથ ધરાયેલી ‘જ્ઞાન સહાયક’ ભરતી પ્રક્રિયાના બીજા તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. આજરોજ માધાપર સ્થિત મોડેલ સ્કૂલ ખાતે યોજાયેલી સમગ્ર પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ હાજરી આપી હતી. પ્રથમ તબક્કામાં દ્વિ-સ્તરીય ટેટ અને ટાટ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવ્યા બાદ હવે બીજા તબક્કામાં અગાઉના કોઈપણ વર્ષમાં આ પરીક્ષાઓ પાસ કરનારા અને 48 વર્ષની વયમર્યાદા સુધીના ઉમેદવારોને તક આપવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં વિવિધ શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ ભરતી પ્રક્રિયા મહત્વપૂર્ણ સાબિત થઈ છે. બીજા તબક્કામાં કુલ 712 ઉમેદવારોને ફાળવણી કરવામાં આવી હતી. તેમાં માધ્યમિક વિભાગના 261 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 135 ઉમેદવારોએ પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી હતી. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માધ્યમિક વિભાગના 122 તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના 58 ઉમેદવારોએ પોતાના પસંદગીના સેવા સ્થળોની પસંદગી કરી હતી. આ રીતે કુલ 180 ઉમેદવારો હવે ‘જ્ઞાન સહાયક’ તરીકે શિક્ષણ સેવામાં જોડાવા તૈયાર થયા છે.
ખાસ કરીને કચ્છના અંતરિયાળ અને શિક્ષકોની અછત ધરાવતા વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાના પ્રયાસોને આ ભરતીથી નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ નવ નિયુક્ત જ્ઞાન સહાયકોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ સમર્પણ અને જવાબદારી સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી.
સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી વર્ગ-2ના આચાર્યો અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. ભરતીના નોડલ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સિનિયર ક્લાર્ક બિપીનભાઈ નાગુ, વહીવટી સ્ટાફ તેમજ મોડેલ સ્કૂલના આચાર્ય વિજયભાઈ કાલરિયા અને સમગ્ર ટીમના સંકલિત પ્રયાસોથી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. આ ભરતીથી કચ્છ જિલ્લાના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar