'તેરા તુજકો અર્પણ'નું ઉત્તમ ઉદાહરણ: ભુજ બી ડિવિઝન પોલીસે કલાકોમાં શોધી આપી રોકડ અને મોબાઇલ ભરેલી ગુમ થયેલી બેગ
કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.):ભુજ શહેરમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને તાત્કાલિક મદદરૂપ બની વિશ્વાસ જીતવાનું કાર્ય પણ સતત કરી રહી છે. ગુજરાત પોલીસના ''તેરા તુજકો અર્પણ'' અભિયાનને વધુ એક વ
તેરા તુજકો અર્પણ અંતર્ગત બેગ પરત અપાઈ


કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.):ભુજ શહેરમાં પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને તાત્કાલિક મદદરૂપ બની વિશ્વાસ જીતવાનું કાર્ય પણ સતત કરી રહી છે. ગુજરાત પોલીસના 'તેરા તુજકો અર્પણ' અભિયાનને વધુ એક વખત સાકાર કરતાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસે અરજદારની ગુમ થયેલી બેગ શોધી કાઢી તેમાં રહેલા રોકડા રૂપિયા અને મોબાઇલ ફોન સહિતની તમામ વસ્તુઓ સુરક્ષિત રીતે પરત સોંપી માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા તથા ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનોને ગુમ થયેલી અથવા ચોરી થયેલી મિલકતો ઝડપથી શોધી કાઢી અરજદારોને પરત અપાવવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ જ સૂચનાઓને અનુસરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સતત અસરકારક કામગીરી કરી રહી છે.

આ દરમિયાન જૂની રાવલવાડી વિસ્તારમાં રહેતા જેતુનબેન સુલેમાનભાઈ માંજોઠીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ખાવડા રોડ રેલવે ફાટક નજીક તેમની બેગ ગુમ થઈ હોવાનું જણાવ્યું હતું. બેગમાં અંદાજે રૂ. 7,000 રોકડા તેમજ મોબાઇલ ફોન સહિતની કિંમતી વસ્તુઓ હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. હેરમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ સક્રિય બની ગઈ હતી. ટીમે અરજદાર સાથે સ્થળ પર પહોંચી વિવિધ તકનિકી સાધનો અને સ્થાનિક તપાસના આધારે ટૂંકા સમયમાં બેગ શોધી કાઢી હતી.

બેગ મળી આવતા તેમાં રહેલા રોકડા રૂપિયા, મોબાઇલ ફોન અને અન્ય સામાનની ચકાસણી કરીને તમામ વસ્તુઓ સુરક્ષિત રીતે જેતુનબેનને પરત સોંપવામાં આવી હતી. પોતાની કિંમતી મિલકત પરત મળતાં અરજદારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર કામગીરી દરમિયાન ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સંકલનપૂર્વક કામગીરી કરી હતી. પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદાનો અમલ કરાવતી સંસ્થા જ નહીં, પરંતુ લોકોની મુશ્કેલીમાં સાથે ઊભી રહેતી સાચી મિત્ર પણ છે. 'પોલીસ પ્રજાનો મિત્ર'ના સૂત્રને સાર્થક કરતી આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande