
કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીધામમાં અપહરણ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિપ્ટોકરન્સી મારફતે કરોડોની ખંડણી વસૂલવાના ચકચારભર્યા કેસમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. લાંબા સમયથી ફરાર રહેલા મુખ્ય સૂત્રધારો સહિત પાંચ આરોપીઓને ગુજરાત ATS, પંજાબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પૂર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરીમાં ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ રકમ, USDT ક્રિપ્ટોકરન્સી, મોબાઇલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી થાર કાર સહિત કુલ રૂ.4.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાના માર્ગદર્શન તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી. ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓએ ફરિયાદીને ફોસલાવી કારમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીના ભાઈને દુબઈમાં વીડિયો કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી USDT સ્વરૂપે અંદાજે રૂ.5.55 કરોડની ખંડણી વસૂલવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ કેસમાં અગાઉ દસ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી રોકડ, વાહનો અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે મુખ્ય આરોપીઓ જાવેદ અભુ સાયચા, રિઝવાન હુસેન કિચા અને સોહિલ જુશબ બુચડ સહિતના આરોપીઓ અલગ-અલગ રાજ્યોમાં છુપાઈને ફરાર હતા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેઓ પંજાબના ભટિંડામાં હોવાનું જાણવા મળતાં પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને પંજાબ STFના સહયોગથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીઓને આશરો અને મદદ કરનાર બે શખ્સોને અમદાવાદ અને જામનગરમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂ.1.02 કરોડથી વધુની રોકડ, કરોડો રૂપિયાના મૂલ્યની USDT ક્રિપ્ટોકરન્સી, 14 મોબાઇલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી મહિન્દ્રા થાર કાર મળી આવી હતી. અગાઉ જપ્ત કરાયેલા મુદ્દામાલ સાથે કુલ રિકવરી રૂ.4.30 કરોડથી વધુ પહોંચી છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપીઓ સામે અગાઉ પણ પેટ્રોલિયમ પાઇપલાઇન ચોરી, લૂંટ, હિંસા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઓપરેશન પૂર્વ કચ્છ LCB, ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ, જામનગર LCB, ગુજરાત ATS અને પંજાબ STFના સંકલિત પ્રયાસોથી સફળ બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar