ભચાઉમાં લોધેશ્વર પાંજરાપોળ પાછળ જુગારધામ પર પોલીસનો દરોડો: તીનપત્તીની બાજીમાં મસ્ત 8 શખ્સ ઝડપાયા, રૂ. 2.98 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ શહેર નજીક લોધેશ્વર પાંજરાપોળના પાછળના સીમ વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે ભચાઉ પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ચોક્કસ ખાનગી માહિતીના આધારે કરવામાં આવેલા દરોડામાં ખુલ્લા ખેતરમાં તીનપત્તીની હાર
લોધેશ્વર જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ શહેર નજીક લોધેશ્વર પાંજરાપોળના પાછળના સીમ વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે ભચાઉ પોલીસે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ચોક્કસ ખાનગી માહિતીના આધારે કરવામાં આવેલા દરોડામાં ખુલ્લા ખેતરમાં તીનપત્તીની હારજીતનો જુગાર રમતા આઠ શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને ગંજીપાનાં સેટ સહિત કુલ રૂ. 2,98,650નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે જ અભિયાનના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરની સૂચના અનુસાર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે લોધેશ્વર પાંજરાપોળથી કેનાલ તરફ જતા માર્ગ પર આવેલા એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસ પહોંચતા ત્યાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીની બાજી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી કુલદીપસિંહ ભીખુભા જેઠવા, ફુલદીપસિંહ ભીખુભા જેઠવા, છત્રપાલસિંહ ધનરાજસિંહ જાડેજા, હરપાલસિંહ સુરુભા જાડેજા, યશપાલસિંહ વનરાજસિંહ જાડેજા, પ્રહલાદસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, વશરામભાઈ નાથાભાઈ ગાડલિયા અને વિશ્વજીતસિંહ હરદેવસિંહ ઝાલાની અટકાયત કરી હતી.

દરોડા દરમિયાન પોલીસે રૂ. 58,650ની રોકડ રકમ, સાત મોબાઇલ ફોન તેમજ પાંચ ગંજીપાનાં સેટ કબજે કર્યા હતા. મોબાઇલ ફોનની કિંમત સાથે કુલ મુદ્દામાલ રૂ. 2,98,650નો થવા પામ્યો છે. તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભચાઉ પોલીસની આ કામગીરીથી ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવા સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે તેવો સંકેત પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande