
મહેસાણા, 07 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામે ગુજરાતના રાજ્યપાલશ્રીના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદપુરી વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોએ એક જ સ્થળે સેવાઓ ઉપલબ્ધ કરાવી ગ્રામજનોને યોજનાકીય લાભો પહોંચાડ્યા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કાર્ડ હેઠળ ૩૮૬ નાગરિકોના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી હતી, જ્યારે ૨૮૦ દર્દીઓને સ્થળ પર જ દવા અને સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત પીએમ-જેએવાય યોજના હેઠળ ૫૬ લાભાર્થીઓની નોંધણી તેમજ રસીકરણ અને ડીવોર્મિંગ જેવી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. પશુપાલન વિભાગે ૧૭૫ પશુઓની સારવાર અને રસીકરણ કર્યું હતું.
મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત દ્વારા ૬૧ નાગરિકોને વિનામૂલ્યે ૭/૧૨ના ઉતારા આપવામાં આવ્યા હતા, જ્યારે ૧૮ લોકોના આધારકાર્ડ સંબંધિત કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા. આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, ડોમિસાઈલ અને રેશનકાર્ડ સહિતની સેવાઓ પણ સ્થળ પર જ આપવામાં આવી હતી.
ખેતીવાડી, બેંકિંગ, ઊર્જા, વાહન વ્યવહાર, આઈટીઆઈ અને મહિલા-બાળ વિકાસ વિભાગે પણ પોતાની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને નોંધણી કામગીરી કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR