
મહેસાણા, 07 ઓગસ્ટ (હિ.સ.) : વિસનગર સ્થિત એમ. એન. કોલેજ ખાતે UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગ વર્ગ અંગે અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર આગામી ૧૦ ઑગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ વાગ્યે કોલેજના રૂસા બિલ્ડિંગના સ્માર્ટ ક્લાસરૂમમાં યોજાશે.
આચાર્ય એમ. એન. કોલેજ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકના કમિશનર ઉચ્ચ શિક્ષણ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG), અમદાવાદના માર્ગદર્શન હેઠળ રાજ્યની ૧૦ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં UPSC તથા GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક કોચિંગ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે એમ. એન. કોલેજ વિસનગર ખાતે 'સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટર' કાર્યરત છે.
જિલ્લાના વધુમાં વધુ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ નિઃશુલ્ક કોચિંગનો લાભ લઈ શકે તે હેતુથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન કોચિંગની પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસક્રમ, માર્ગદર્શન અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
કોલેજ દ્વારા મહેસાણા જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સેમિનારમાં ઉપસ્થિત રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે નિઃશુલ્ક કોચિંગ વર્ગમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR