

ગાંધીનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા નેશનલ હેન્ડલુમ ડે અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગરવી ગુર્જરીની મૂલાકાત લઈને હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી હતી.
વડાપ્રધાનએ આ વર્ષે નેશનલ હેન્ડલુમ ડે અવસરે દેશવાસીઓને હેન્ડલુમ પ્રોડક્ટ ખરીદીને ગ્રામીણ ગરીબોની આવક વૃદ્ધિમાં સહભાગી બનવા સાથે આપણા સમૃદ્ધ હાથવણાટ વારસાને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની આ અપીલ ઝિલી લઈને ગાંધીનગરમાં રાજ્ય સરકારના સાહસ ગરવી ગુર્જરીમાંથી હેન્ડલુમ પ્રોડક્ટની ખરીદી કરી હતી.
મુખ્યમંત્રીએ ગરવી ગુર્જરીના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને વેચાણ માટે મૂકવામાં આવેલી વિવિધ હેન્ડલુમ પ્રોડક્ટની જાણકારી મેળવી હતી.
મુખ્ય સચિવ એમ.કે. દાસ તથા ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા નિગમ ગરવી ગુર્જરીના એમ.ડી. અને સચિવ આદ્રા અગ્રવાલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક અને કલાત્મક્તા સાથે ગ્રામીણ અર્થતંત્રનો આધાર બની રહેલા હાથવણાટ-હાથસાળ ઉત્પાદનોને વોકલ ફોર લોકલથી વિશ્વ બજાર આપવાની વડાપ્રધાનશ્રીની નેમ છે.
તેમણે દેશની સ્વતંત્રતા સમયે 1905માં શરૂ થયેલી સ્વદેશી ચળવળની સ્મૃતિ માં તથા નાના-ગ્રામીણ કારીગરો-પરિવારોને આર્થિક સમૃદ્ધિ અને સન્માન આપવા 2015થી 7મી ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ