
અમરેલી, 07 ઓગસ્ટ (હિ.સ.) : સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારના લોકોને વધુ સારી અને આધુનિક આરોગ્યસુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી ₹55 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ હોસ્પિટલમાં વિવિધ વિશેષજ્ઞ તબીબોની સેવાઓ, આધુનિક ઓપરેશન થિયેટર, અદ્યતન નિદાન સુવિધાઓ, ઇમરજન્સી સારવાર, માતા-બાળ આરોગ્ય વિભાગ સહિત અનેક આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો આયોજન કરવામાં આવ્યો છે. હોસ્પિટલ કાર્યરત બન્યા બાદ સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે.
આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત વિકાસલક્ષી કામગીરી કરી રહી છે અને દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત આરોગ્યસુવિધા પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. આ હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થયા બાદ સમગ્ર વિસ્તારમાં આરોગ્ય સેવાઓને નવી દિશા મળશે અને હજારો દર્દીઓને તેનો સીધો લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai