
સિલવાસા, 07 ઓગસ્ટ (હિ.સ.)
સેલવાસાના દાન હોટેલ પાછળ આવેલા મારુતિ એપાર્ટમેન્ટ નજીકની એક ચાલીમાં ટ્રોલી બેગમાંથી પરિણીતાનો સડી ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હત્યાની આશંકા હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મૃતકાની ઓળખ બિહાર રાજ્યના નવાદા જિલ્લાના રોહ પોલીસ મથક વિસ્તારના સિયુર ગામની રહેવાસી છોટી કુમારી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, લગભગ બે વર્ષ પહેલાં છોટી કુમારી પોતાના પતિ અને પરિવારને છોડીને ગામના જ યુવક શુભમ કુમાર સાથે ઘરેથી નીકળી ગઈ હતી.ત્યારબાદ બંને સેલવાસામાં સાથે રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
માહિતી અનુસાર, દાન હોટેલ પાછળ આવેલી ચાલીના એક બંધ રૂમમાંથી છેલ્લા કેટલાક દિવસોથી દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી રૂમની તપાસ કરતાં ટ્રોલી બેગમાંથી આશરે એક મહિના જૂનો મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી તેને ઓળખવામાં પણ મુશ્કેલી પડી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પ્રાથમિક તપાસના આધારે પોલીસે આ ઘટનાને હત્યાનો મામલો માની તપાસ શરૂ કરી છે. મહિલા સાથે સેલવાસા આવેલા શુભમ કુમારની ભૂમિકા શંકાના ઘેરામાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે તેમજ બિહાર પોલીસનો સંપર્ક કરી મૃતકા અને શંકાસ્પદ આરોપી અંગેની વિગતો મેળવી રહી છે.
ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી મહત્વના પુરાવાઓ એકત્રિત કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક વિશ્લેષણ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઘટનાએ સેલવાસા ઉપરાંત મૃતકાના વતન બિહારમાં પણ શોક અને સનસનાટી ફેલાવી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત જાહેર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha