
ભાવનગર, 07 ઓગસ્ટ (હિ.સ.) : પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવા અને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને ફળાઉ વૃક્ષોના વાવેતર માટે પ્રોત્સાહન આપવા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા વૃક્ષારોપણ અભિયાન-2026 અંતર્ગત કેસર કેરીની ગુણવત્તાસભર આંબાની કલમો રાહત દરે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ યોજના હેઠળ અંદાજે 3થી 3.5 ફૂટ ઊંચાઈ ધરાવતી કેસર કેરીની કલમો માત્ર રૂ. 80ના રાહત દરે આપવામાં આવશે. સામાન્ય બજારમાં આવી કલમોની કિંમત રૂ. 250થી રૂ. 500 સુધી હોય છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોને નોંધપાત્ર લાભ મળશે.
આ અભિયાનનો લાભ માત્ર ભાવનગર જિલ્લાના લોકો પૂરતો મર્યાદિત નથી. રાજ્યના કોઈપણ તાલુકા કે જિલ્લાના રસ ધરાવતા નાગરિકો મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી કેસર કેરીની કલમ મેળવી શકશે. કલમોનું વિતરણ 22 ઓગસ્ટ સુધી સરકારી રજાઓ સિવાય દરરોજ કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે આ કલમોનું વેચાણ ખેડૂતો દ્વારા જ કરવામાં આવશે, જેના કારણે તેમને વધારાની આવકનું સાધન મળશે તેમજ સ્થાનિક સ્તરે રોજગારીને પણ પ્રોત્સાહન મળશે. ગત વર્ષે યોજાયેલા સમાન અભિયાનમાં 15 હજારથી વધુ કેસર કેરીની કલમોનું વિતરણ થયું હતું અને તેને ખેડૂતો તથા નાગરિકોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. વધતા તાપમાન અને હરિયાળીમાં થતા ઘટાડાને ધ્યાનમાં રાખીને આવા અભિયાનો પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહ્યા છે.
મહુવા માર્કેટિંગ યાર્ડે ખેડૂતો અને નાગરિકોને ઓછા ખર્ચે ગુણવત્તાસભર કેસર કેરીની કલમ મેળવી પોતાના ખેતર, વાડી કે બગીચામાં વાવેતર કરી હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA