
વાપી, 07 ઓગસ્ટ (હિ.સ.)
ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટમાં રજૂ થતી અરજીઓ અને અન્ય દસ્તાવેજો માટે નિર્ધારિત કદના કાગળ અને નક્કી કરાયેલા ફૉન્ટનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા નવા નોટિફિકેશનના વિરોધમાં રાજ્યભરના વકીલોમાં અસંતોષ ફેલાયો છે.
આ જ મુદ્દે ગુરુવારે વાપી બાર એસોસિએશનના વકીલોએ પ્રતિકાત્મક હડતાળ પાડી હતી, જેના કારણે કોર્ટની દૈનિક કામગીરી પર આંશિક અસર જોવા મળી હતી.
હડતાળને પગલે અનેક કેસોની નિયમિત સુનાવણી અને કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે પક્ષકારોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વાપી બાર એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલ, ઉપપ્રમુખ સચિન કક્કડ અને સચિવ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકતા પહેલાં બાર એસોસિએશનો સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. તેમના જણાવ્યા મુજબ આ નિયમો નાના શહેરોમાં પ્રેક્ટિસ કરતા વકીલો તેમજ ટાઈપિંગ અને દસ્તાવેજ તૈયાર કરતી સંસ્થાઓ માટે વધારાનો આર્થિક બોજ ઉભો કરશે અને વ્યવહારિક મુશ્કેલીઓ પણ સર્જશે.
વકીલોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ગુજરાત હાઇકોર્ટ આ નોટિફિકેશન પર પુનર્વિચાર કરીને જરૂરી સુધારા કરશે અથવા તેને પરત ખેંચશે નહીં, ત્યાં સુધી તેમનું આંદોલન અને હડતાળ ચાલુ રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ બાર એસોસિએશનો દ્વારા આ નોટિફિકેશનના વિરોધમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હવે હાઇકોર્ટ અથવા સંબંધિત સત્તાધિકારીઓ તરફથી લેવાતા નિર્ણય પર વકીલ સમાજની આગામી રણનીતિ નિર્ભર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha