
પાટણ, 07 ઓગસ્ટ (હિ.સ.) પાટણના મહિલા મંડળ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘા ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જાગૃતિ શિબિરમાં મહિલાઓને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શિબિરમાં DHEWના જેન્ડર સ્પેશિયાલિસ્ટ આશા પટેલે મહિલા સ્વાવલંબન યોજના સહિત વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ બાળલગ્ન પ્રતિબંધ, બાળ સુરક્ષા અને બાળકોના અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું, જ્યારે મેઘા ગોસ્વામીએ મહિલાઓને સ્વરોજગાર અપનાવી આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં કુલ 225 સહભાગીઓ હાજર રહ્યા હતા, જેમાં 220 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થયો હતો. ઉપસ્થિતોને હાઇજીન કીટ તેમજ માહિતીપ્રદ IEC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર અને જિલ્લા મહિલા તથા બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહિલા મંડળના પ્રમુખ સંધ્યાબેન, ભગીની સમાજ પાટણના પ્રમુખ લીલા સ્વામી સહિત વિવિધ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અંતે સખી વન સ્ટોપ સેન્ટરના ચેતનાબેને આભારવિધિ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ