
સુરત, 07 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના પાંડેસરા વિસ્તારમાં જાહેર રસ્તા પર ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી કરનાર એક યુવક સામે પોલીસે કાર્યવાહી કરી છે. શહેરમાં જાહેર સ્થળોએ આવા કાર્યક્રમો પર પ્રતિબંધ હોવા છતાં યુવકે અનેક કેક સાથે ઉજવણી કરી અને ફટાકડા ફોડ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.
વાયરલ વીડિયોમાં યુવક કાળી કારમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરતો, સોનાના દાગીના પહેરીને ઉજવણીમાં ભાગ લેતો અને જાહેર રસ્તા પર કેક કાપતો જોવા મળ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને પાંડેસરા પોલીસે યુવકને પોલીસ સ્ટેશન બોલાવી કાયદાનું ભાન કરાવ્યું અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સમક્ષ યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને જાહેરમાં માફી માંગી હતી. તેણે જણાવ્યું કે જાહેર રસ્તા પર કેક કાપવી અને ફટાકડા ફોડવા કાયદા વિરુદ્ધ છે તેમજ અન્ય લોકોને પણ આવી ભૂલ ન કરવાની અપીલ કરી હતી. આ ઘટનાથી જાહેર સ્થળોએ નિયમોના પાલનની જરૂરિયાત ફરી એકવાર ચર્ચામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે