
- કોમનવેલ્થ 2030ને ધ્યાને લઈને નવો CGDCR આવશે.
અમદાવાદ, 07 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત હાઇકોર્ટમાં ચલી રહેલ ફાયર સેફ્ટીની અમલવારી અરજીમાં આજે હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રે ની બેન્ચ સમક્ષ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ TRP મોલમાં ગેમ ઝોન અને અમદાવાદના નવરંગપુરમાં આવેલ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર સેફ્ટીની અમલવારી અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલ સુનાવણી દરમિયાન પાર્ટી ઈન પર્સન અમિત પંચાલે વર્તમાન નિયમોની મર્યાદાઓ તરફ ધ્યાન દોર્યું હતું, જ્યારે એડવોકેટ જનરલે રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમો સઘન બનાવવા માટે સરકાર દ્વારા લેવાનાર આગામી પગલાં અંગે કોર્ટને માહિતગાર કરી આશ્વાસન આપ્યું હતું.
500 ચો.મી.થી નાની ફટાકડાની દુકાનો અને પ્લે-ગ્રુપ માટે ફાયર નિયમોમાં સુધારાની માંગ
સુનાવણી દરમિયાન પાર્ટી ઈન પર્સન અમિત પંચાલે રજૂઆત કરી હતી કે, વર્તમાન નિયમો મુજબ 500 સ્કવેર મીટરથી નાની ફટાકડાની દુકાનો માટે ફાયર NOC ની જરૂર હોતી નથી.
આ ઉપરાંત 4 વર્ષથી નાની વયના બાળકો માટે ચાલતી બાલવાડી કે પ્લે ગ્રુપમાં પણ ફાયર ઇન્સ્પેક્શન થતું નથી. આ બાબતો અત્યંત જોખમી હોઈ નિયમોમાં ત્વરિત સુધારાની જરૂરિયાત દર્શાવાઈ હતી, જેના પર એડવોકેટ જનરલે યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અમદાવાદ 'કોમનવેલ્થ 2030' જેવી વૈશ્વિક ઇવેન્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં નવા CGDCR (કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ) લાવવામાં આવશે. નવી જોગવાઈ મુજબ હાઈરાઇઝ ઇમારતોમાં દર ત્રણ માળ પછી એક માળ ખાલી રાખવાનો નિયમ લાવવામાં આવશે, જેથી આગ જેવી દુર્ઘટના સમયે લોકો ત્યાં એકઠા થઈ શકે અને તેમને સહેલાઈથી રેસ્ક્યુ કરી શકાય. વધુમાં, હાઈકોર્ટે ચાલુ દિવસોમાં જાહેર સ્થળોએ ફાયર મોકડ્રીલ યોજવા પણ સૂચન કર્યું હતું.
હાઈકોર્ટે રાજ્યમાં ફાયર વિભાગની કામગીરી અને અધિકારીઓની મહેકમ સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસમાં કાયમી ડિરેક્ટર ન હોવા પર કોર્ટે ટાંક્યું હતું કે, ફાયર સર્વિસને સશક્તિકરણ અને સામાન્ય નાગરિકોને ટ્રેનિંગ આપવાની જરૂર છે. સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી કે, હવે ટૂંક સમયમાં જ કાયમી ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવશે.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ફાયર સર્વિસના ત્રિસ્તરીય વહીવટી માળખા વિશે સ્પષ્ટતા કરી હતી.મહાનગરપાલિકા સ્તરે: સ્વતંત્ર ભરતી અને વ્યવસ્થા સાથે સંબંધિત મ્યુનિસિપલ કમિશનર જવાબદાર રહે છે. નગરપાલિકા સ્તરે કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી અને પ્રિન્સિપાલ સેક્રેટરી (અર્બન ડેવલપમેન્ટ) હસ્તક કામગીરી ચાલે છે. પંચાયત અને ગ્રામ્ય સ્તરે: ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસ અને સ્ટેટ કન્ટ્રોલિંગ બોડી જવાબદારી સંભાળે છે.
ફાયર સેફ્ટીની સમીક્ષા માટે પ્રિન્સિપાલ સેક્રેટરી દર 15 દિવસે સર્વોચ્ચ વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજે છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ