
રાજપીપળા, 07 ઓગસ્ટ (હિ.સ.) : બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત ઉજવાઈ રહેલા નારી વંદન ઉત્સવ-2026ના ભાગરૂપે મહિલા કર્મયોગી દિવસ નિમિત્તે નાંદોદ તાલુકાના જીતનગર સ્થિત બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 વિષયક કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં વિદ્યાર્થિનીઓને કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા, જાતીય સતામણી અધિનિયમ-
2013ની મુખ્ય જોગવાઈઓ, મહિલાઓના કાયદાકીય હક્કો, ફરિયાદ નિવારણની પ્રક્રિયા તેમજ મુશ્કેલીના સમયે ઉપલબ્ધ સહાય અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, શિક્ષણનું મહત્વ, મહિલા સશક્તિકરણ અને સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતાં.
સેમિનારના અંતે વિદ્યાર્થિનીઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહી, કોઈપણ પ્રકારની જાતીય
સતામણી સામે નિર્ભયતાથી અવાજ ઉઠાવવા તેમજ કાયદાકીય સહાય અને સુરક્ષા વ્યવસ્થાનો અસરકારક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થિનીઓમાં કાયદાકીય જાગૃતિનો વ્યાપ વધે અને મહિલાઓને સુરક્ષિત, સન્માનજનક તથા સમાન તકો ધરાવતું શૈક્ષણિક અને કાર્યસ્થળનું વાતાવરણ ઉપલબ્ધ બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં બિરસા મુંડા યુનિવર્સિટીના સ્કૂલ ઓફ આર્ટ્સના આચાર્ય ડો.ધવલ પંડયા, NCC
પ્રોગ્રામ ઓફિસર પાયલબેન, જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી.પરમાર, મહિલા પોલીસ
સ્ટેશનના પી.આઈ.એમ.એમ.મૌયા, IUCW તથા શી ટીમના મેધનાબેન, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હિરલબેન, મહિલા સહાયતા કેન્દ્રના દિપીકાબેન તેમજ 181 મહિલા અભયમના સંધ્યાબેન સહિત સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ