
સુરત, 01 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરમાં ખાણી-પીણીની જાણીતી એકમોમાં સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તા અંગેની ફરિયાદો વચ્ચે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ હેલ્થ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અડાજણ-હની પાર્ક રોડ પર આવેલી જાણીતી ‘મહેશ પાર્લમાજી’ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને વાસી કઢી તેમજ સડેલી સામગ્રી પીરસાતી હોવાની ફરિયાદ સામે આવી હતી.
ફરિયાદના આધારે મનપાના ફૂડ એન્ડ હેલ્થ વિભાગની ટીમે સ્થળ પર તાત્કાલિક દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા હતા અને વાસી કઢી પીરસવામાં આવતી હોવાની બાબત સામે આવતાં રેસ્ટોરન્ટ સામે ₹3,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
દરમિયાન પુણા-કુંભારિયા વિસ્તારમાં આવેલા જાણીતા ‘ગણપતકાકાના વડા’ સેન્ટર અંગે પણ ફરિયાદ સામે આવી છે. અહીં ખુલ્લામાં ગંદકી અને માખીઓના ઉપદ્રવ વચ્ચે ખાદ્યસામગ્રી તૈયાર કરવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો સામે આવ્યા બાદ મનપાની મોનિટરિંગ વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે. ખાણી-પીણીની જગ્યાઓ પર સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે મનપા દ્વારા વધુ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે