
પાટણ, 01 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર શહેર યુવા મોરચા દ્વારા ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાન અંતર્ગત સરસ્વતી શિશુ મંદિર શાળામાં સામૂહિક ‘વંદે માતરમ્’ ગાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના 605 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કંઠસ્થ ‘વંદે માતરમ્’નું સામૂહિક ગાન કર્યું હતું. વિદ્યાર્થીઓના દેશભક્તિપૂર્ણ ગાનથી સમગ્ર શાળા પરિસર રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે રાધનપુર શહેર યુવા મોરચાના મહામંત્રી બ્રિજેશભાઈ પટેલ અને કાર્તિકભાઈ ઠક્કર, તેમજ રાધનપુર તાલુકા કિસાન સંઘના પ્રમુખ મલાભાઈ આહીરે વિદ્યાર્થીઓને ‘વંદે માતરમ્’ના ઇતિહાસ અને સંપૂર્ણ ગીત અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ભાવનાના મહત્વ વિશે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સામૂહિક ગાન દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ