
ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)નડિયાદ ખાતે આયોજિત International Conference દરમિયાન સમાજસેવા, જનજાગૃતિ અને સામાજિક કલ્યાણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ ભાવનગરના ડૉ. તેજસ એસ. દોશીને “Outstanding Service Award for Society”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. J. S. Ayurved Mahavidyalaya તથા P. D. Patel Ayurved Hospital દ્વારા આ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉ. તેજસ દોશીને તેમની સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઈ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડૉ. તેજસ દોશી તબીબી સેવા સાથે સામાજિક ક્ષેત્રે પણ સતત સક્રિય રહી વિવિધ જનહિતલક્ષી પ્રવૃત્તિઓમાં યોગદાન આપી રહ્યા છે. પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અંગે જનજાગૃતિ, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન, યુવા માર્ગદર્શન તેમજ વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી તેઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.
સમાજના વિવિધ વર્ગોમાં આરોગ્ય અને સામાજિક જાગૃતિ વધે તે માટે પણ તેઓ સમયાંતરે વિવિધ કાર્યક્રમો સાથે જોડાઈ રહ્યા છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું છે.
સન્માન પ્રાપ્ત કર્યા બાદ ડૉ. તેજસ દોશીએ જણાવ્યું હતું કે સમાજસેવા તેમના માટે માત્ર સન્માન મેળવવાનો વિષય નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી અને જીવનભરનું કર્તવ્ય છે. મળેલું આ સન્માન વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે સેવા કાર્ય ચાલુ રાખવા માટે પ્રેરણા આપશે.
આ પ્રતિષ્ઠિત સન્માન બદલ વિવિધ ક્ષેત્રના આગેવાનો, શુભેચ્છકો અને સમાજજનો દ્વારા ડૉ. તેજસ દોશીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA