
ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના ટીંબી ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં ગંભીર તબીબી સમસ્યાથી પીડાતા દર્દીનું જટિલ અને સફળ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, દર્દીએ એસિડ પી લીધા બાદ જઠર અને નાના આંતરડાના માર્ગમાં ગંભીર નુકસાન થયું હતું. જેના કારણે જઠર અને નાના આંતરડાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને દર્દીને ખોરાક લેવામાં તેમજ પાચનક્રિયામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
દર્દીની સારવાર અને ઓપરેશન માટે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવવામાં આવી હતી. ત્યાં આ જટિલ ઓપરેશન માટે અંદાજે રૂ. 21 લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવવામાં આવ્યું હતું. આટલો મોટો ખર્ચ સામાન્ય પરિવાર માટે મુશ્કેલ હોવાથી દર્દીના પરિવારજનો માટે ચિંતા ઊભી થઈ હતી.
આ પરિસ્થિતિમાં દર્દીને ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના સર્જિકલ વિભાગના નિષ્ણાત MS ડૉ. બિનોય પટેલ તેમજ એનેસ્થેટિક ડૉ. અંકિતા મેરુલિયા (પટેલ) દ્વારા દર્દીનું ‘ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી એન્ડ જેજુનોજેજુનોસ્ટોમી’ નામનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ ઓપરેશન દર્દી પાસેથી કોઈપણ પ્રકારની ફી લીધા વિના તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.
ઓપરેશન બાદ દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે અને હોસ્પિટલના જણાવ્યા મુજબ દર્દી હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. આ સફળ સારવાર પાછળ હોસ્પિટલના પ્રણેતા પૂજ્યપાદ સદગુરુદેવની કૃપા તેમજ તબીબો અને સમગ્ર ટીમની મહેનત રહી છે.
ઓપરેશન દરમિયાન OT ટીમના સભ્યો તરીકે ડૉ. કૃણાલ ત્રિવેદી, ચિંતન પંડ્યા, મીનીબેન નૈયર અને કલ્પેશએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. માનવસેવા હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ નિઃશુલ્ક સારવાર તબીબી સેવા સાથે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA