‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027’ : ગુજરાતમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ યુવાનોનું રજીસ્ટ્રેશન
ગાંધીનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ (રાષ્ટ્રીય યુવા દિવસ) નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય યુવા મહોત્સવને એક નવા અને સશક્ત સ્વરૂપમાં રજૂ કરતા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ''વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) 2027'
‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2027’


ગાંધીનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ (રાષ્ટ્રીય યુવા દિવસ) નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય યુવા મહોત્સવને એક નવા અને સશક્ત સ્વરૂપમાં રજૂ કરતા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) 2027'નું દેશવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોના નવીન વિચારો, સંશોધન આધારિત વિચારો અને નેતૃત્વ ક્ષમતાને સીધા નીતિ-નિર્માણ અને દેશના વિકાસ સાથે જોડવાનો છે. ગ્રાસરૂટ સ્તરથી લઈને રાષ્ટ્રીય ફલક સુધીની ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયા દ્વારા આ મંચ દેશના 15 થી 29 વર્ષની વય જૂથના યુવાનોને પોતાની પ્રતિભા અને વિઝનને સીધા રાષ્ટ્રીય સ્તરે નીતિ-નિર્માતાઓ અને વિષય નિષ્ણાતો સમક્ષ રજૂ કરવાની પ્રત્યક્ષ તક પૂરી પાડે છે.

રાજ્ય સ્તરીય પ્રેસ કોન્ફરન્સમાં સચિન શર્મા (રાજ્ય નિયામક, માય ભારત, ગુજરાત), ડો. કમલ કુમાર કર (પ્રાદેશિક નિયામક, એનએસએસ, ગુજરાત) અને વર્ષા રોઘા (જિલ્લા યુવા અધિકારી, ગાંધીનગર) દ્વારા કાર્યક્રમની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં વિભાગના જિલ્લા યુવા અધિકારીઓ અને 'માય ભારત' સ્વયંસેવકો સક્રિયપણે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓની મુલાકાત લઈને યુવાનોને આ અભિયાન સાથે જોડી રહ્યા છે. આ વ્યાપક જનજાગૃતિ અભિયાનના પરિણામે અત્યાર સુધીમાં ગુજરાતના 50,000 થી વધુ યુવાનો ‘માય ભારત’ પોર્ટલ પર ડિજિટલ ક્વિઝ માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

આ રાષ્ટ્રીય સ્પર્ધામાં 17 ઓગસ્ટ 2026ના રોજ 15 થી 29 વર્ષની વય પૂર્ણ કરનાર દેશના તમામ યુવાનો મફતમાં ભાગ લઈ શકે છે. ભાગ લેવા માટે ઇચ્છુક સ્પર્ધકોએ અધિકૃત પોર્ટલ mybharat.gov.in પર જઈને 'Register Now' વિકલ્પ પસંદ કરવાનો રહેશે, જ્યાં તેઓ મોબાઈલ અથવા ઈમેલ પર પ્રાપ્ત લિંક/ઓટીપી વેરિફિકેશન અને પોતાની સામાન્ય માહિતી ભરીને સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકે છે. અગાઉથી રજીસ્ટર્ડ યુવાનોને સીધા લોગઈન કરીને પ્રથમ ચરણ એટલે કે ડિજિટલ ક્વિઝમાં ભાગ લેવાની સુવિધા આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયાના પ્રથમ ચરણમાં 17 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન માય ભારત પોર્ટલ પર ઓનલાઈન ક્વિઝ યોજાઈ રહી છે. ક્વિઝના ટોચના 10 ટકા સ્પર્ધકો (મહત્તમ 4 લાખ સુધી) બીજા ચરણ એટલે કે નિબંધ સ્પર્ધા માટે ક્વોલિફાય થશે, જેમાં તેમણે નિર્ધારિત વિષયો પર 500 શબ્દોનો નિબંધ 5 થી 19 ઓક્ટોબર 2026 દરમિયાન ઓનલાઈન જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ દરેક જિલ્લામાંથી પસંદ કરાયેલા ટોચના 50 નિબંધકારો વચ્ચે 10 થી 16 નવેમ્બર 2026 દરમિયાન જિલ્લા સ્તરીય પીપીટી પ્રેઝન્ટેશન રાઉન્ડ યોજાશે. જિલ્લાના ટોચના બે સ્પર્ધકો 17 નવેમ્બરથી 7 ડિસેમ્બર 2026 દરમિયાન યોજાનાર રાજ્ય સ્તરીય VBYLDમાં ભાગ લેશે, જ્યાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્પર્ધકોની રાજ્ય ટીમ બનશે જે 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાનાર નેશનલ ગ્રાન્ડ ફિનાલેમાં પોતાના વિચારો રજૂ કરશે.

વિકસિત ભારત ચેલેન્જ ટ્રેક ઉપરાંત યુવાનોની બહુઆયામી પ્રતિભાને નિખારવા માટે આ આયોજનમાં અન્ય પાંચ મુખ્ય ટ્રેક્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સમૂહ લોકનૃત્ય, સમૂહ લોકગીત, ચિત્રકામ, વક્તૃત્વ અને કાવ્ય પઠન જેવી વિધાઓથી સજ્જ ત્રિ-સ્તરીય 'સાંસ્કૃતિક ટ્રેક' (Cultural Track) મુખ્ય છે. આ સાથે જ દેશના વાસ્તવિક પડકારોના ઉકેલ માટે 'ડિઝાઇન ફોર ભારત', તકનીકી ઇનોવેટર્સ માટે 'હેક ફોર સોશિયલ કોઝ', યુવા સાહસિકોના સ્ટાર્ટઅપ મોડેલ માટે 'યુથ એન્ટરપ્રિન્યોર્સ ચેલેન્જ' તેમજ લોકશાહી પ્રક્રિયાઓ અને નીતિ-ચર્ચાને પ્રોત્સાહન આપવા માટે 'એકીકૃત યુવા સંસદ' (Youth Parliament)નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

અધિકારીઓએ રાજ્યના તમામ યુવાનોને મોટી સંખ્યામાં પોર્ટલ પર જોડાઈને આ રાષ્ટ્રીય મંથનમાં પોતાની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા આહ્વાન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande