
- અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા
અમદાવાદ,11 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 12 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત વડોદરા, ભરૂચ અને સુરતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી વધુ છે. જ્યારે 10 સપ્ટેમ્બર સુધી અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ 595.7 મીમી નોંધાયો છે, જે સામાન્ય કરતાં 88.2 મીમી ઓછો છે.
15 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. અમરેલી અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. 16 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. 17 સપ્ટેમ્બરે કોઈ મોટી હવામાન સિસ્ટમમાં ફેરફારની આગાહી નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ