‘છોટી કાશી’ જામનગરમાં શ્રાવણી અમાસે શિવભક્તિ અને પિતૃ તર્પણનો ત્રિવેણી સંગમ: શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો ઉમટો જનમેદની
જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાસે ‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં શિવભક્તિ અને ધાર્મિક આસ્થાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર માસ દરમિયાન દિવ્યતાથી છવાયેલા નગરમાં આજના વિદાયના દિવસે પણ વહેલ
શ્રાવણી અમાસે શિવ મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા


જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) :

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે શ્રાવણી અમાસે ‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં શિવભક્તિ અને ધાર્મિક આસ્થાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર માસ દરમિયાન દિવ્યતાથી છવાયેલા નગરમાં આજના વિદાયના દિવસે પણ વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રાવણી અમાસનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોવાથી શિવ આરાધનાની સાથે સાથે પિતૃ તર્પણ માટે પણ શ્રદ્ધાળુઓનો મોટો પ્રવાહ મંદિરો તરફ વળ્યો હતો, જેના કારણે સમગ્ર શહેર ધાર્મિકતા અને ભક્તિભાવના રંગે રંગાયું હતું.

જામનગરના પ્રખ્યાત સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ, નાગેશ્વર, નીલકંઠ, વૈજનાથ, પ્રતાપેશ્વર, નર્મદેશ્વર, જળેશ્વર, સુખનાથ અને મણીકંકેશ્વર મહાદેવ સહિતના તમામ શિવાલયોને શ્રાવણ માસ દરમિયાન જળ, હરિયાળી અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સમગ્ર માસ દરમિયાન, ખાસ કરીને ચારેય સોમવારે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં ભક્તોએ ભોળાનાથને બિલિપત્ર અને જલાભિષેક અર્પણ કરી રૂદ્રાભિષેક પૂજન કર્યું હતું.

શ્રાવણી અમાસે ભક્તોએ પરિવારની સુખ, શાંતિ અને કલ્યાણની કામના સાથે શ્રાવણ માસની શિવભક્તિની પૂર્ણાહુતિ કરી શિવલિંગના અંતિમ દર્શન કરી નમન કર્યા હતા. આ ઉપરાંત, પવિત્ર અમાસના દિવસે પિતૃઓની શાંતિ અને સદગતિ માટે વિવિધ શિવ મંદિર પરિસરમાં આવેલા પીપળાના વૃક્ષ પાસે શ્રદ્ધાળુઓએ વિધિવત પિતૃ તર્પણ કર્યું હતું, પીપળાને જળ અર્પણ કરી પૂજન-અર્ચન કર્યું હતું અને પુણ્યદાન મેળવ્યું હતું. આમ, જામનગરવાસીઓએ ભાવભીના હૃદયે ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નમાવી પવિત્ર શ્રાવણ માસને દિવ્ય વિદાય આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande