
પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણના સિદ્ધિ સરોવર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શ્રાવણ મહિનાની અમાસના પવિત્ર દિવસે શિવયાગ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. કુબેરેશ્વર મહાદેવ સેવક ગણ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ યજમાન પરિવારોએ ભાગ લઈ શ્રદ્ધાપૂર્વક હવનમાં આહુતિ અર્પણ કરી હતી. કુબેરેશ્વર મહાદેવ અને રણજીત હનુમાન દાદાની કૃપાથી યોજાયેલા આ ધાર્મિક મહોત્સવથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.
શિવયાગ હવન દરમિયાન યજમાન પરિવારોએ ધાર્મિક વિધિમાં જોડાઈ પૂજા-અર્ચના કરી હતી. અમાસના દિવસે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે 5 વાગ્યે મુખ્ય શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરવામાં આવનાર છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ધાર્મિક આયોજનમાં જોડાઈ ધર્મલાભ લઈ રહ્યા છે.
યજ્ઞ પૂર્ણ થયા બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રે 9:30 કલાકે ભજન અને સંતવાણી ડાયરાનું વિશેષ સંગીતમય આયોજન પણ રાખવામાં આવ્યું છે. ધાર્મિક વિધિ, ભજન અને સંતવાણીના સંગમથી શ્રાવણ અમાસનો આ દિવસ ભક્તો માટે વિશેષ આધ્યાત્મિક અને ભક્તિમય બની રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ