


પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં
સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન 2026’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય ‘અટલ ભવન’ ખાતે કાર્યશાળા યોજાઈ હતી.
કાર્યશાળામાં પ્રદેશ ભાજપ મંત્રી આશાબેન નકુમ, જિલ્લા સંગઠન પ્રભારી વિમલભાઈ કાગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, મહાનગરપાલિકા મેયર સાગરભાઈ મોદી સહિત સંગઠનના હોદ્દેદારો,
મંડળ પ્રમુખો, મોરચાના હોદ્દેદારો, કોર્પોરેટરો તથા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન યોજાનારા કાર્યક્રમો અંગે આયોજન અને જવાબદારીઓ ની ચર્ચા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ‘આશીર્વાદનો દીવડો’, ‘આંગણવાડી ઉત્સવ’, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, ‘સેવા જ્યોત યાત્રા’, ‘સેવા મેરા યોગદાન’, ‘સેવા સેતુ અભિયાન’, ‘રંગોળી રાષ્ટ્ર’, ‘રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જ’ અને ‘જનસેવક મહાકુંભ’ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
અભિયાનનો હેતુ સેવા અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને લોકો સુધી પહોંચાડવા તથા ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને જન આંદોલનનું સ્વરૂપ આપવાનો છે. અભિયાનને સફળ બનાવવા કાર્યકર્તાઓ અને નાગરિકોને સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા આહ્વાન કરાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya