
પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના 14 કાયમી કચરા સ્ટેન્ડ (GP પોઈન્ટ) બંધ કરી તે સ્થળોએ બ્યુટીફિકેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનનો પ્રારંભ પ્રજાપતિ છાત્રાલય ખાતે પ્રથમ બ્યુટીફિકેશન કામગીરીના ખાતમુહૂર્ત સાથે કરવામાં આવ્યો હતો. પાલિકા તંત્રનો હેતુ કચરાથી ગંદા રહેતા સ્થળોને સ્વચ્છ અને સુંદર બનાવી શહેરના સૌંદર્યમાં વધારો કરવાનો છે.
પ્રજાપતિ છાત્રાલય ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત સમારોહમાં વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ચીફ ઓફિસર હીરલબેન ઠાકર, સ્વચ્છતા શાખાના ચેરમેન ચેતનાબેન પ્રજાપતિ સહિત વિવિધ વોર્ડના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. યોજના અંતર્ગત 14 સ્થળોએથી કચરાના પોઈન્ટ દૂર કરી ત્યાં બગીચા સહિતના સુંદર નિર્માણકાર્યો કરવામાં આવશે.
સ્વચ્છતા શાખાના ચેરમેન ચેતનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ કામગીરી પાટણની પ્રજાના હિતમાં હાથ ધરવામાં આવી છે. તેમણે નગરજનોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને પાલિકાને સાથ-સહકાર આપવા અપીલ કરી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના આ અભિયાનમાં નાગરિકોની ભાગીદારીથી સ્વચ્છ ભારત મિશનનું લક્ષ્ય સાકાર થઈ શકશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ