

પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઈસીડીએસ પાટણ તથા સરસ્વતી તાલુકાના સહયોગથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે પોષણ ઉત્સવ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આંગણવાડી કાર્યકર્તા બહેનો તથા આઈસીડીએસ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધામાં વિવિધ કઠોળ, મિલેટ (શ્રી અન્ન) અને ટેક હોમ રાશનનો ઉપયોગ કરીને અનેક પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી પ્રદર્શિત કરવામાં આવી હતી. નિષ્ણાતોની ટીમે વાનગીઓનું પોષણમૂલ્ય, ગુણવત્તા, સ્વચ્છતા અને રજૂઆતના આધારે મૂલ્યાંકન કર્યું હતું. વિજેતાઓને પ્રમાણપત્રો તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આઈસીડીએસ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેને આ વાનગીઓનો ઉપયોગ આંગણવાડીના બાળકોના આહારમાં કરવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં કુપોષણમુક્ત પાટણના નિર્માણ માટે સૌને એકજૂથ થઈ પ્રયાસો કરવા આહ્વાન કરાયું હતું. પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળે આંગણવાડી કેન્દ્રો માટે કાયમી મકાનની વ્યવસ્થા ઊભી કરવા તંત્ર તરફથી પ્રયાસોની ખાતરી આપી હતી.
અંતે અધિકારીઓ, કર્મચારીઓ અને બહેનોએ કુપોષણમુક્ત પાટણ માટે પોષણ શપથ લીધો હતો. તાલુકા પંચાયત પ્રમુખ જીનલબેન પટેલ, સી.ડી.પી.ઓ. રંજનબેન, ઉર્મિલાબેન, હેતલબેન સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ