
જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરના દી-પ્લોટ વિસ્તારમાં દારૂના નશામાં ધૂપ બનેલા એક રિક્ષાચાલકે પુરઝડપે વાહન હંકારીને સ્કૂટરને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં સ્કૂટર પર સવાર બે યુવકો રોડ પર ફેંકાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ભાગવા જતાં રિક્ષાચાલકની તપાસ કરતા તે નશામાં હોવાનું ખૂલ્યું હતું, જેના પગલે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, જામનગરના શંકરટેકરી સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય રોહિતભાઈ નાથાભાઈ ચાંડપા પોતાના મિત્ર રાહુલ સાથે એક્સેસ સ્કૂટર (નંબર જીજે-૧૦-ઈકે-૪૬૩૯) પર તા. ૯ સપ્ટેમ્બરના રાત્રે આશરે પોણા દસ વાગ્યાના સુમારે દી-પ્લોટ-૬૦ ખૂણા પાસેના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન પવનચક્કી દી-પ્લોટ વિસ્તારમાં રહેતો ૩૦ વર્ષીય શક્તિ મગનભાઈ ઠાકેચા પોતાની બજાજ સીએનજી રિક્ષા (નંબર જીજે-૧૦-ટીઝેડ-૬૮૮૮) અતિશય પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવીને આવી રહ્યો હતો. રિક્ષાચાલકે સામેથી આવતા સ્કૂટરને સખત ટક્કર મારતાં જ રોહિતભાઈ અને રાહુલ બંને રસ્તા પર પટકાયા હતા.
આ અકસ્માતમાં રાહુલને જમણા હાથના પંજાના ભાગે ઈજા પહોંચી હતી અને પગમાં છોલછાલ થઈ હતી, તેમજ અકસ્માતના આઘાતમાં તેનો કિંમતી મોબાઈલ ફોન પણ નીચે પડી જતાં તૂટી ગયો હતો.
સ્થળ પર એકઠા થયેલા લોકો અને પોલીસે રિક્ષાચાલક શક્તિ ઠાકેચાની પૂછપરછ તથા તપાસ હાથ ધરતાં તે દારૂના ભારે નશામાં હોવાનું માલૂમ પડ્યું હતું. પીધેલી હાલતમાં બેફામ વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ઈજાગ્રસ્ત યુવક રોહિત ચાંડપાએ સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આરોપી રિક્ષાચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૧, ૧૨૫(એ), મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૫ તથા પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt