
જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખીજડિયા ગામની સીમમાં આવેલી વાડીમાં ઈલેક્ટ્રિક મોટરનો વાયર રિપેર કરતી વખતે કરંટ લાગતાં એક 65 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. અચાનક વીજ આંચકો લાગવાથી વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, જાળિયા માનસર ગામના નિવાસી હરસુખભાઈ કરમશીભાઈ રામોલીયા (ઉંમર વર્ષ 65) ની ખીજડિયા ગામની સીમમાં વાડી આવેલી છે. ગત 10 સપ્ટેમ્બરના રોજ સાંજના છ થી સાડા સાત વાગ્યાના સમયગાળા દરમિયાન તેમની વાડીમાં રહેલી ઈલેક્ટ્રિક મોટરનો વાયર સ્ટાર્ટરમાંથી નીકળી ગયો હતો. જેથી હરસુખભાઈ આ વાયરને સરખો કરવા અને મોટર ચાલુ કરવાના હેતુસર રિપેરિંગ કામ કરી રહ્યા હતા.
આ દરમિયાન અચાનક તેમના જમણા હાથની હથેળીના ભાગે ઈલેક્ટ્રિક શોર્ટ આવતાં તેઓ તીવ્ર વીજ પ્રવાહની લપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈને ઢળી પડ્યા હતા. બનાવ બનતાં જ આસપાસના લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મારફતે તેઓને સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે પ્રાથમિક તપાસ બાદ હરસુખભાઈનું ઈલેક્ટ્રિક શોક લાગવાના કારણે મોત નીપજ્યું હોવાનું ઘોષિત કર્યું હતું. આ કરુણ દુર્ઘટના સંદર્ભે મૃતકના પુત્ર પ્રકાશભાઈ હરસુખભાઈ રામોલીયાએ ધ્રોલ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt