
કચ્છ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : બસ સ્ટેશનમાંથી ચોરીની બાઇક સાથે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં ભચાઉ સહિતના વિસ્તારોમાંથી છ મોટરસાઇકલ ચોર્યાનો ખુલાસો, બે વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો
ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાહનચોરીની ઘટનાઓને અંજામ આપતા તત્વો સામે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એક શખ્સને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડતાં તેની પૂછપરછમાં કુલ છ મોટરસાઇકલ ચોરી કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કરી વાહનચોરીના બે વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ગાંધીધામ બસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતા ભાવેશગર સામગર ગુસાઈ, ઉંમર 30 વર્ષ, રહે મેઘપર (કુંજીસર), તાલુકો ભચાઉને અટકાવી તેની પાસેથી સ્પ્લેન્ડર મોટરસાઇકલ મળી આવી હતી. તપાસ કરતાં આ મોટરસાઇકલ ચોરીની હોવાનું સામે આવ્યું હતું.
આરોપીની વધુ પૂછપરછ કરતાં તેણે અલગ-અલગ સમયે વિવિધ સ્થળોએ પાર્ક કરાયેલી મોટરસાઇકલો નિશાન બનાવી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. તેની કબૂલાતના આધારે ભચાઉ બસ સ્ટેશન, ગાંધીધામ રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તાર, ભચાઉ સરકારી હોસ્પિટલના પાર્કિંગ તેમજ ખારોઈ-કુંજીસર રોડ પરથી ચોરી કરાયેલી કુલ છ મોટરસાઇકલો પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે.
કબજે કરાયેલા વાહનોમાં સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ, સીડી ડિલક્સ અને એચએફ ડિલક્સ સહિતની મોટરસાઇકલોનો સમાવેશ થાય છે. પોલીસ મુજબ કબજે થયેલા વાહનોની કુલ કિંમત અંદાજે રૂ. 2.65 લાખ જેટલી થાય છે. કેટલાક વાહનોની નંબર પ્લેટ અથવા ચેસીસ-એન્જિન નંબર અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી દરમિયાન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના બે વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. સાથે જ આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ તપાસતાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં મોટરસાઇકલ ચોરીના બે ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરીની મોટરસાઇકલોના અન્ય ગુનાઓ સાથે કોઈ કડી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar