
બોટાદ,11 સપ્ટેમ્બર (હિ.સ.)બોટાદ જિલ્લામાં આજ રોજ “૯મો રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬” અંતર્ગત વિવિધ પોષણલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પોષણ માસનો મુખ્ય હેતુ લોકોમાં સંતુલિત આહાર, પોષણયુક્ત જીવનશૈલી અને આરોગ્યપ્રદ આહાર અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ વાનગી સ્પર્ધા, પોષણ રંગોળી તેમજ ગરમ નાસ્તા જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. પોષણ વાનગી સ્પર્ધામાં આંગણવાડી કાર્યકરો તથા લાભાર્થીઓ દ્વારા સ્થાનિક અને સરળતાથી ઉપલબ્ધ અનાજ, કઠોળ, લીલાં શાકભાજી, ફળો તથા અન્ય પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ સ્વાદિષ્ટ અને પોષણસભર વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વાનગીઓનું નિરીક્ષણ કરી તેમાં રહેલા પોષક તત્ત્વો અંગે માહિતી મેળવી હતી.
તદુપરાંત, પોષણ રંગોળી દ્વારા વિવિધ સંદેશાઓ રજૂ કરી લોકોને સંતુલિત આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. બાળકો અને મહિલાઓમાં પોષણ અંગે જાગૃતિ વધે તે માટે રંગોળીમાં વિવિધ પોષણયુક્ત ખાદ્યપદાર્થોના ચિત્રો તથા સંદેશાઓ દર્શાવવામાં આવ્યા હતા.
આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ગરમ અને પોષણયુક્ત નાસ્તો પીરસવામાં આવ્યો હતો. બાળકોને સ્વચ્છતા, હાથ ધોવાની યોગ્ય રીત અને રોજિંદા આહારમાં વિવિધ પોષક તત્ત્વોનો સમાવેશ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજનનો ઉદ્દેશ **“સુપોષિત બોટાદ, સ્વસ્થ બોટાદ”**ના સંકલ્પને સાકાર કરવાનો તથા જનસમુદાયમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA