
જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર તાલુકાના સિક્કા ગામમાં સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસમાં રોકાણ કરાવવાના નામે બમણું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સિક્કામાં જનરલ સ્ટોર ચલાવતા વેપારી સાથે રૂ. 12 લાખની છેતરપિંડી ઉપરાંત અન્ય 150થી વધુ લોકો પાસેથી આશરે રૂ. 5 કરોડ જેટલી માતબર રકમ મેળવીને આરોપી નાસી છૂટ્યો છે. આ મામલે સિક્કા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સિક્કા ગામમાં જનરલ સ્ટોર ધરાવતા સુરજભાઈ રામજીભાઈ ભગોરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગામમાં જ રહેતા આરોપી અસગર ગફાર પીરઝાદા સાથે તેમને અગાઉથી ઓળખાણ હતી. આરોપીએ પોતે એક જાણીતી શિપિંગ કંપની સાથે જોડાયેલો હોવાનો દાવો કર્યો હતો અને બહારના સંપર્કોનો ઉપયોગ કરીને સિગરેટના ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો મોટો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું.
આ વેપારમાં ટૂંક સમયમાં બમણું વળતર મળતું હોવાની લાલચ આપીને તેણે ધંધો વધારવા ભંડોળની જરૂર હોવાનું કહી ફરિયાદી પાસેથી શરૂઆતમાં રોકાણ કરાવ્યું હતું. વિશ્વાસ કેળવવા માટે આરોપીએ અગાઉ રૂ. 3 લાખ મેળવી એક મહિના બાદ પરત આપ્યા હતા. ત્યારબાદ વધુ રકમની જરૂર હોવાનું જણાવી ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ. 12 લાખ મેળવી લીધા હતા અને ગેરંટી પેટે ચેક આપ્યો હતો. જોકે, મુદત પૂરી થવા છતાં નાણાં પરત ન આપીને આરોપી અવારનવાર ટાળટૂળ કરવા લાગ્યો હતો.
આરોપી નાણાં ચૂકવવામાં સમય વિતાવતો હોવાથી ફરિયાદીએ તેની તપાસ શરૂ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી અસગર પીરઝાદાએ પોતાની શિપિંગ કંપનીની ઓળખનો ગેરલાભ ઉઠાવી ગામના અન્ય 100થી 150 લોકોને પણ રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી હતી. તેણે શરૂઆતમાં લોકોને હપ્તા પેટે અમુક રકમ ચૂકવીને વિશ્વાસ સંપાદન કર્યો હતો અને બાદમાં ગામમાંથી આશરે રૂ. 5 કરોડ જેટલી મોટી રકમ એકઠી કરીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ભોગ બનનાર વેપારીએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અસગર સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt