
ભાવનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : સનાતન ધર્મ અને શાસ્ત્રોમાં દેવ-દેવીની ઉપાસના સાથે પિતૃઓ તથા પ્રકૃતિની વંદનાનું વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ માસની અમાસ પર્વ પરંપરાગત લોકસંસ્કૃતિમાં પિતૃ વંદના અને પ્રકૃતિ પૂજન સાથે ઉજવવામાં આવે છે. આ પર્વને અનેક વિસ્તારોમાં ભાદરવી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અમાસના દિવસે વહેલી સવારથી જ લોકો પવિત્ર ભાવના સાથે પીપળાના વૃક્ષની પૂજા-અર્ચના કરે છે અને તેને પાણી અર્પણ કરી પિતૃઓનું સ્મરણ કરે છે. માન્યતા અનુસાર, આ દિવસે દિવંગત પૂર્વજોને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમના નિમિત્તે જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. વર્ષો અગાઉ વિદાય લીધેલા વડવાઓની સ્મૃતિને જીવંત રાખતી આ પરંપરા આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકજીવનનો મહત્વનો હિસ્સો બની રહી છે.
ગોહિલવાડના ઈશ્વરિયા ગામના પાદરમાં પણ શ્રાવણ માસની અમાસના પર્વે પિતૃ વંદનાનો ધાર્મિક અને પરંપરાગત માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી ગ્રામજનોએ પીપળાના વૃક્ષ પાસે એકત્ર થઈ પૂજન-અર્ચનાની વિધિ કરી હતી. પીપળાને જળ અર્પણ કરી પોતાના દિવંગત પૂર્વજોનું સ્મરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા, આદર અને કૃતજ્ઞતાની લાગણી સાથે સૌએ પરિવાર અને સમાજની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પિતૃ વંદનાની આ પરંપરા નવી પેઢીને સંસ્કૃતિ, પરંપરા અને પૂર્વજો સાથે જોડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA