જામનગરમાં રૂ. 4.77 લાખના હેરોઇન સાથે પંજાબના ત્રણ શખ્સો ઝડપાયા: સપ્લાયર ફરાર
જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં મેઘપર (પડાણા) પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર પર પ્રહાર કર્યો છે. રામદૂતનગર વિસ્તારમાંથી પંજાબના ત્રણ શખ્સોને રૂ. 4.77 લાખની કિંમતના 23
ડ્રગ્સ સાથે ત્રણ પંજાબી ની ધરપકડ


જામનગર, 11 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં મેઘપર (પડાણા) પોલીસે મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેપાર પર પ્રહાર કર્યો છે. રામદૂતનગર વિસ્તારમાંથી પંજાબના ત્રણ શખ્સોને રૂ. 4.77 લાખની કિંમતના 23.85 ગ્રામ હેરોઇન સહિતના માદક પદાર્થો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની આ સફળ કામગીરીથી સમગ્ર વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે આ કેસમાં માલ સપ્લાય કરનાર મુખ્ય આરોપી હાલ ફરાર જાહેર થયો છે.

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, જોગવડ ગામની સીમમાં આવેલી જયેશભાઈ ઉનડકટની ઓરડીઓ પૈકી ઓરડી નંબર-11માં ભાડેથી રહેતા કેટલાક શખ્સો પાસે કેફી માદક પદાર્થનો પાવડર છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી પંજાબના મૂળ વતની અને હાલ અહીં મજૂરી કામ કરતા જશવંતસિંઘ રતનસિંઘ, થોમસ રણજીત મસીહ અને જગમીતસિંઘ સરબજીતસિંઘ નામના ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પોલીસ તલાશી લેતા તેમની પાસેથી 23.85 ગ્રામ હેરોઇન, મોર્ફિન અને કોડેનનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 4,77,000 થાય છે. આ ઉપરાંત પોલીસે અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 4,94,400નો સામાન જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ નશીલો પદાર્થ તેમને પંજાબના તરનતારણ જિલ્લાના પટ્ટી તાલુકાના સકતરા ગામના રહેવાસી જગરૂપનસિંઘે સપ્લાય કર્યો હતો.

આથી પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ સહિત સપ્લાયર જગરૂપનસિંઘ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ 8(સી), 21(બી) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર સપ્લાયરને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande