




- સ્થાનિક બોટો અને તરવૈયાઓની મદદથી સર્ચ ઓપરેશન 1 માછીમારનો કોઈ પત્તો નહીં.
ભરૂચ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : જંબુસર પંથકના દરિયાકાંઠે બનેલી એક ઘટનામાં 7 માછીમારોનો આબાદ બચાવ થતાં તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે, જ્યારે સારોદના અક્ષય કરસન વાઘેલા નામના યુવકનો હજુ સુધી કોઈ પત્તો ન મળતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. સ્થાનિક તરવૈયાઓ અને બોટોની મદદથી દરીયાઈ વિસ્તારમાં વ્યાપક શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જંબુસર તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આજે ગંભીર દરિયાઈ દુર્ઘટના સર્જાતા ચકચાર મચી ગઈ હતી. દહેગામ ગામની સામે મધદરિયે માછીમારી કરવા ગયેલા 8 માછીમારોની બોટમાં અચાનક યાંત્રિક ખામી સર્જાતા બોટ દરિયામાં જ બંધ પડી ગઈ હતી. બોટ ચાલુ ન થતાં માછીમારોએ કિનારા તરફ પહોંચવા માટે પાણીમાં ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન દરિયામાં ભરતીનો પ્રવાહ તેજ થતાં તમામ 8 માછીમારો પાણીમાં તણાયા હતા. સદનસીબે 7 માછીમારો ભારે સંઘર્ષ બાદ દહેગામના દરિયાકાંઠે પહોંચવામાં સફળ રહ્યા હતા, જ્યારે સારોદ ગામની નવી નગરીમાં રહેતા 25 વર્ષીય અક્ષય કરસન વાઘેલા દરિયાના પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યા છે. અક્ષયની શોધખોળ માટે સ્થાનિક બોટો તથા તરવૈયાઓની મદદથી સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જંબુસર પંથકના દરિયાઈ વિસ્તારમાં માછીમારી અર્થે ગયેલા માછીમારો સાથે બનેલી દુર્ઘટના બાદ રાહત અને ચિંતાના દ્રશ્યો એકસાથે જોવા મળી રહ્યા છે. દરિયામાં ફસાયેલા માછીમારો પૈકી સાત માછીમારોનો સક્ષમતાપૂર્વક આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે, જેના પગલે તેમના પરિવારોએ સુખદ રાહત અનુભવી છે.
ઘટનાની જાણ જંબુસર મામલતદાર એન.એસ. વસાવાને થતાં તેઓ પણ તાત્કાલિક દહેગામ પહોંચ્યા હતા. મામલતદારે ઘટનાની માહિતી મેળવી ડિઝાસ્ટર વિભાગ તેમજ ભરૂચ ફાયર વિભાગને જાણ કરી હતી અને લાપતા માછીમાર અક્ષય વાઘેલાની શોધખોળ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બચાવાયેલા માછીમારોમાં સારોદના સુનીલ જગદીશ વાઘેલા, અમરસંગ કાલિદાસ વાઘેલા, રણજીત કાલિદાસ વાઘેલા અને યોગેશ જગદીશ વાઘેલા, જંબુસરના કિશન શના વાઘેલા, માલપુરના ઉમેશ મંગા ભાલીયા તથા વેડચના અરવિંદ ચંદુ માળીનો સમાવેશ થાય છે.
અક્ષયને શોધવા માટે સ્થાનિક માછીમારો, તરવૈયાઓ અને બોટોની મદદ લઈને દરિયાકાંઠાના સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે માત્ર અક્ષયનો પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સારોદ ગામ અને જંબુસર પંથકના માછીમાર સમુદાયમાં ચિંતા અને ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ